સ્થાનિકમાં હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટની માગ વધારવા સરકારની સ્વદેશી ઝુંબેશ

નવી દિલ્હીઃ સ્થાનિકમાં હેન્ડલૂમ, હેન્ડીક્રાફ્ટ્સ અને ટેક્સ્ટાઈલ ઉત્પાદનોની માગને પ્રોત્સાહિત કરવા માટે સરકારે સ્વદેશી ઝુંબેશ શરૂ કરી હોવાનું તાજેતરમાં ટેક્સ્ટાઈલ મંત્રાલયે જણાવ્યું છે.
આ ઝુંબેશ ભારતભરમાં છથી નવ મહિના સુધી ચાલશે, તેમ જ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં જાગરૂકતા લાવવાની સાથે આપણાં સ્થાનિક ઉત્પાદનોની સાંસ્કૃતિક ઓળખ અંગે સમજણ આપવાનો છે. તેમાં પણ ખાસ કરીને શહેરી વિસ્તારોમાં યુવાન વર્ગમાં અને ગ્રાહકોમાં ભારતીય ટેક્સ્ટાઈલનું પુનઃ ગૌરવવંતુ સ્થાન અંકે કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
નોંધનીય બાબત એ છે કે દેશનાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વદેશી ઉત્પાદનોના વપરાશ પર ભાર મૂકવા હાકલ કરી છે. ટેક્સ્ટાઈલ મંત્રાલયે એક યાદીમાં જણાવ્યું હતું કે આ ઝુંબબેશનો હેતુ સ્થાનિક ટેક્સ્ટાઈલનાં વપરાશમાં વધારો અને તેમાં પણ શહેરી વિસ્તારો અને જનરેશન ઝેડમાં જાગરૂકતા લાવીને વપરાશ વધારવાનો છે.
આપણ વાંચો: કેવા રંગની સાડી પહેરી છે નાણા પ્રધાને?
વિવિધ કાર્યક્રમો, સામાજિક કાર્યક્રમો, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વગેરેનો ઉપયોગ કરીને જાગૃતિ લાવવામાં આવશે. આ ઝુંબેશમાં કેન્દ્ર સરકાર વિવિધ રાજ્ય સરકારોની સક્રિય ભાગીદારીની અપેક્ષા રાખી રહી છે. આ ઝુંબેશના અન્ય હેતુઓમાં બજારનુ એક્સેસ વધારવાની સાથે ટેક્સ્ટાઈલ એમએસએમજી, કલાકાર-કસબીઓ અને વણકરોની આવકમાં વધારો કરવાનો પણ છે.
આત્મનિર્ભર ભારતનાં દૃષ્ટિકોણ સાથે સુસંગતતા રાખીને ટેક્સ્ટાઈલ માટે પીએમ મિત્ર પાર્ક, વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ અને સંસ્થાકીય પ્રાપ્તિ ઉપરાંત મંત્રાલયો અને શૈક્ષણિક સંસ્થાઓને ગણવેશ, રાચરચિલુ વગેરેમાં ભારતીય બનાવટના કાપડ અપનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.
નોંધનીય બાબત એ છે કે વર્ષ 2024માં ભારતીય ટેક્સ્ટાઈલ અને ક્લોધિંગની બજારનું કદ 179 અબજ ડૉલરનું હતું જે વર્ષે સરેરાશ સાત ટકાના દરે વૃદ્ધિ પામે છે. સ્થાનિક બજારમાં ઘરગથ્થું ક્ષેત્રનો હિસ્સો 58 ટકાનો છે જે વર્ષે 8.19 ટકાના દરે વૃદ્ધિ પામે છે, જ્યારે બિનઘરગથ્થું બજારનો હિસ્સો 21 ટકાનો છે અને વર્ષે 6.79 ટકાના દરે વૃદ્ધિ પામે છે.