મધ્યપૂર્વના દેશોમાં તણાવ વધતાં સોનાએ રૂ. ૫૧૧ની તેજી સાથે રૂ. ૬૧,૦૦૦ની સપાટી કુદાવી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગત શુક્રવારે ઈઝરાયલે ગાઝા પરનું આક્રમણ ઉગ્ર બનાવતા ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનામાં રોકાણકારોની સલામતી માટેની આક્રમક લેવાલી નીકળતાં ભાવ ઔંસદીઠ ૨૦૦૦ ડૉલરની સપાટી કુદાવી ગયા હતા. જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભે ફેડરલ રિઝર્વની આવતીકાલથી શરૂ થઈ રહેલી બે દિવસીય નીતિવિષિયક બેઠક પૂર્વે રોકાણકારોએ સાવચેતીનો અભિગમ અપનાવતા હાજરમાં સોનાના ભાવમાં વધ્યા મથાળેથી ધીમો ઘટાડો આવ્યો હતો અને ચાંદીના ભાવ ટકેલા રહ્યા હતા.
આમ ગત શુક્રવારના વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલોને ધ્યાનમાં લેતા સ્થાનિક ઝવેરી બજારમાં સપ્તાહના આરંભે મધ્યસત્ર દરમિયાન વિશ્ર્વ બજારથી વિપરીત બન્ને કિંમતી ધાતુઓમાં સુધારાતરફી વલણ રહેતાં સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૧૦થી ૫૧૧ વધીને રૂ. ૬૧,૦૦૦ની સપાટી કુદાવી ગયા હતા અને ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૮૨૭ના ઉછાળા સાથે રૂ. ૭૧,૦૦૦ની સપાટી પાર કરી ગયા હતા.
આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૮૨૭ વધીને રૂ. ૭૧,૭૩૩ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ ગત શુક્રવારનાં ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના પ્રોત્સાહક અહેવાલે ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું, જેમાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૧૦ વધીને રૂ. ૬૧,૦૯૧ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૧,૩૩૬ના મથાળે રહ્યા હતા, પરંતુ ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારોની વેચવાલી સામે નવી લેવાલીનો અભાવ રહ્યો હતો. તેમ જ જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી પાંખી રહી હતી.
એકંદરે ગત શુક્રવારે ઈઝરાયલે ગાઝા પર હુમલાઓ વધાર્યા હોવાના નિર્દેશો સાથે સોનામાં સલામતી માટેની માગને ટેકે ન્યૂ યોર્ક ખાતે હાજરમાં સોનાના ભાવ એક તબક્કે વધીને ઔંસદીઠ ૨૦૦૦ ડૉલરની મનોવૈજ્ઞાનિક સપાટી વટાવીને ૨૦૦૯ ડૉલર સુધી પહોંચી ગયા હતા.
વધુમાં આજે પણ ઈઝરાયલ-હમાસ વચ્ચે તણાવ વધ્યો હોવાના નિર્દેશો છતાં આવતીકાલથી શરૂ થઈ રહેલી અમેરિકી ફેડરલ રિઝર્વની બે દિવસીય નીતિવિષયક બેઠક પૂર્વે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોએ નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ અપનાવતા હાજરમાં ભાવ ગત શુક્રવારના બંધ સામે ૦.૨ ટકા ઘટીને ઔંસદીઠ ૨૦૦૧.૩૭ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૬ ટકા વધીને ૨૦૧૧.૨૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ પણ ઔંસદીઠ ૨૩.૧૨ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
દરમિયાન તાજેતરમાં મધ્યપૂર્વના દેશોની તણાવની સ્થિતિ વચ્ચે વૈશ્વિક સોનાના ભાવ ઔંસદીઠ ૨૦૦૬ ડૉલરની પ્રતિકારક સપાટી કુદાવીને ૨૦૧૯થી ૨૦૩૬ આસપાસની રેન્જમાં રહે તેવી શક્યતા રૉઈટર્સનાં વિશ્ર્લેષક વૉંગ તાઉએ જણાવ્યું હતું.