મજબૂત સ્થાનિક માગને ધ્યાનમાં લેતા એસ ઍન્ડ પીએ 6.5 ટકા વૃદ્ધિદરનો અંદાજ જાળવી રાખ્યો | મુંબઈ સમાચાર
વેપાર

મજબૂત સ્થાનિક માગને ધ્યાનમાં લેતા એસ ઍન્ડ પીએ 6.5 ટકા વૃદ્ધિદરનો અંદાજ જાળવી રાખ્યો

નવી દિલ્હીઃ આ વર્ષે દેશમાં સારા ચોમાસાની સાથે માગ પણ મજબૂત રહેવાની શક્યતાને ધ્યાનમાં લેતા એસ ઍન્ડ પી (સ્ટાન્ડર્ડ ઍન્ડ પૂઅર્સ) ગ્લોબલ રેટિંગ્સે વર્તમાન નાણાકીય વર્ષ માટે મૂકેલા 6.50 ટકા જીડીપીના અંદાજને જાળવી રાખ્યો છે.
વધુમાં રિઝર્વ બૅન્કે વર્તમાન નાણાકીય વર્ષ માટેના ફુગાવાનો અંદાજ ઘટાડીને 3.2 ટકા મૂક્યો હોવાથી રેટિંગ એજન્સીએ રિઝર્વ બૅન્ક આ વર્ષે વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવો અંદાજ વ્યક્ત કર્યો હતો. નોંધનીય બાબત એ છે કે એપ્રિલથી જૂન સુધીનાં ત્રિમાસિકગાળામાં ભારતનો જીડીપી 7.6 ટકાના સ્તરે રહ્યો હતો.

આજે એસ ઍન્ડ પીએ એક યાદીમાં જણાવ્યું હતું કે અમે આગામી 31મી માર્ચ, 2026ના રોજ પૂરા થતાં વર્તમાન નાણાકીય વર્ષમાં દેશનો જીડીપી 6.5 ટકા રહેશે એવો અંદાજ જાળવી રાખ્યો છે. અમારા મતે આ વર્ષે સારા ચોમાસા ઉપરાંત આવક વેરા તથા જીએસટીમાં ઘટાડા તથા સરકારી ખર્ચમાં વધારો થવાથી માગની સ્થિતિ મજબૂત રહેશે.

આ પણ વાંચો: મોંઘા થયા ઘર: ટોપ 7 શહેરમાં મકાનોના ભાવ વધ્યા, વેચાણમાં ઘટાડો!

વધુમાં અહેવાલમાં ઉમેર્યું હતું કે ખાદ્ય ચીજોનાં ફુગાવામાં અપેક્ષા કરતાં વધુ ઘટાડો થવાથી એકંદરે ફુગાવો નીચો રહેે તેમ હોવાથી અમારા અંદાજ અનુસાર શેષ નાણાકીય વર્ષ 2026માં રિઝર્વ બૅન્ક વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો કાપ મૂકશે.
એસ ઍન્ડ પીએ તેનાં `ઈકોનોમિક આઉટલૂક એશિયા પેસિફિક ક્યુ 4 2025ઃ ગ્રોથ ટૂ ઈઝ ઓન એક્સટર્નલ સ્ટ્રેઈન ‘ અહેવાલમાં જણાવ્યું હતું કે સ્થાનિક સ્તરે માગની સ્થિતિ મજબૂત રહેવાને કારણે અમેરિકી ટૅરિફમાં વૃદ્ધિ અને વૈશ્વિક સ્તરે ધીમી આર્થિક વૃદ્ધિ જેવાં પડકારજનક પરિબળોની વૃદ્ધિ પર બહુ ઓછી અસર જોવા મળે તેવી શક્યતા છે. એકંદરે અમેરિકામાં એશિયન દેશોથી થતી આયાત સામે ટૅરિફનાં જૂદા જૂદા દરને કારણે નિકાસનાં અને પ્રાદેશિક સ્તરની સપ્લાય ચેઈન નવાં આકાર લઈ શકે છે.

અમેરિકી ટૅરિફ અંગેની અમારી જૂન મહિનાની ધારણાની સરખામણીમાં અત્યાર સુધીમાં અન્ય એશિયન દેશોની સરખામણીમાં ચીન સારું પ્રદર્શન કરી રહ્યું છે અને દક્ષિણ પૂર્વ એશિયન દેશોના ઉભરતા બજારની સરખામણીમાં થોડું ખરાબ છે. જોકે, ભારતને અપેક્ષા કરતાં વધુ ફટકો પડ્યો હોવાનું અહેવાલમાં ઉમેર્યું હતું.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button