ડૉલર સામે રૂપિયામાં સાંકડી વધઘટે ટકેલું વલણ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ છતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે માસાન્તને કારણે ડૉલરમાં આયાતકારોની લેવાલી ઉપરાંત વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ વધી આવ્યા હોવાથી તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં વેચવાલી જળવાઈ રહેતાં ડૉલર સામે રૂપિયો સાંકડી વધઘટે અથડાઈને ગઈકાલના ૮૪.૦૮ના મથાળે જ બંધ રહ્યો હતો. જોકે, આજે સંભવીતપણે રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ બજારમાં હસ્તક્ષેપ કરતાં રૂપિયામાં મોટું ધોવાણ અટક્યું હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવ્યું હતું. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૪.૦૮ના બંધ સામે ભાવ ટૂ ભાવ ૮૪.૦૮ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૪.૦૯ અને ઉપરમાં ૮૪.૦૭ની સાંકડી રેન્જમાં અથડાઈને ગઈકાલની જ ૮૪.૦૮ની સપાટીએ બંધ રહ્યો હતો. એકંદરે આજે માસાન્તને કારણે ડૉલરમાં આયાતકારોની વ્યાપક લેવાલી રહી હોવા છતાં રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયા દ્વારા ડૉલરનું વેચાણ થવાથી રૂપિયામાં ઘટાડો મર્યાદિત રહ્યો હોવાનું ફિનરેક્સ ટ્રેઝરી એડવાઈઝર્સનાં ટ્રેઝરી હેડ અને એક્ઝિક્યુટીવ ડિરેક્ટર અનીલકુમાર ભણસાળીએ જણાવતાં ઉમેર્યું હતું કે આજે ઘણાં કેન્દ્રોમાં બજાર બંધ રહી હોવાથી કામકાજોનું વૉલ્યુમ ઓછું હતું.