ડૉલર સામે રૂપિયો બેતરફી વધઘટે અથડાઈને સાધારણ એક પૈસો નરમ…

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ઑક્ટોબર મહિનાના અંતિમ સત્રમાં આયાતકારોની ડૉલરમાં જળવાઈ રહેલી લેવાલી ઉપરાંત ઈક્વિટી માર્કેટમાં નરમાઈ તેમ જ વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં વેચવાલીનું દબાણ અને વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં સુધારાતરફી વલણ રહેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો બેતરફી વધઘટે અથડાઈને અંતે સાધારણ એક પૈસાના ઘટાડા સાથે 88.70ની સપાટીએ બંધ રહ્યો હતો. 
જોકે, આજે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના ભાવમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી રૂપિયામાં મોટો ઘટાડો અટક્યો હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 88.69ના બંધ સામે સુધારાના અન્ડરટોને 88.60ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 88.78 અને ઉપરમાં 88.59ની રેન્જમાં રહ્યા બાદ અંતે ગઈકાલના બંધ સામે એક પૈસાના ઘટાડા સાથે 88.70ના મથાળે બંધ રહ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે ફુગાવો લક્ષ્યાંકિત કરતા ઊંચી સપાટીએ રહેવાની અને શ્રમ બજારમાં અનિશ્ચિતતા જળવાઈ રહેવાની શક્યતાને ધ્યાનમાં લેતા આગામી ડિસેમ્બર મહિનાની બેઠકમાં વ્યાજદરમાં કાપ સામે શક્યતા પાતળી હોવાનું જણાવતા ગઈકાલે ડૉલર સામે રૂપિયામાં 47 પૈસાનો કડાકો બોલાઈ ગયો હતો.
પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.04 ટકા વધીને 99.39 આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી તેમ જ સ્થાનિક સ્તરે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 465.75 પૉઈન્ટનો અને 155.75 પૉઈન્ટનો ઘટાડો આવ્યો હતો. 
તેમ જ ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 3077.59 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાથી રૂપિયો દબાણ હેઠળ આવ્યો હતો. તેમ છતાં આજે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ 0.68 ટકા ઘટીને બેરલદીઠ 64.56 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી રૂપિયાને અમુક અંશે ટેકો મળ્યો હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.
 
 
 
 


