વેપાર

ક્રૂડતેલના ભાવ ઘટતાં ડૉલર સામે રૂપિયો સાત પૈસા ઊંચકાયો…

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
ગત ઑક્ટોબર મહિનામાં દેશમાં ઉત્પાદનનો પર્ચેઝિંગ મેન્યુફેક્ચરિંગ ઈન્ડેક્સ આગલા સપ્ટેમ્બર મહિનાના 57.7 પૉઈન્ટ સામે વધીને 59.2ની સપાટીએ રહ્યો હોવાના નિર્દેશો ઉપરાંત આંતરરાષ્ટ્રીય બજારમાં આજે બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ઘટી આવ્યા હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો સત્ર દરમિયાન એક તબક્કે 49 પૈસા સુધી મજબૂત થયો હતો.

જોકે, ત્યાર બાદ વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં સુધારો તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ ઉપરાંત ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં વેચવાલીનું દબાણ જળવાઈ રહ્યું હોવાના નિર્દેશો રહેતાં સત્રના અંતે ડૉલર સામે રૂપિયો માત્ર સાત પૈસા ઊંચકાઈને 88.70ના મથાળે બંધ રહ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 88.77ના બંધ સામે સુધારાના અન્ડરટોને 88.55ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 88.70 અને ઉપરમાં 88.28 સુધી મજબૂત થયા બાદ અંતે ગઈકાલના બંધ સામે સાત પૈસાના સુધારા સાથે 88.70ના મથાળે બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ડૉલર સામે રૂપિયામાં સાત પૈસાનો ઘટાડો જોવા મળ્યો હતો.

દરમિયાન આજે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 1.37 ટકા ઘટીને બેરલદીઠ 64 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હતો. તેમ છતાં આજે ડૉલર ઈન્ડેક્સ 0.09 ટકા વધીને 99.80 આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 519.34 પૉઈન્ટનો અને 165.70 પૉઈન્ટનો ઘટાડો આવ્યો હોવાથી તેમ જ ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 1883.78 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાથી રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું બજારનાં સાધનોએ જણાવ્યું હતું.

Haresh Kankuwala

મુંબઈ-સિટી-ડેસ્ક એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારથી જ કારકિર્દીની શરૂઆત થઇ અને છેલ્લા બે દાયકાથી તેની સાથે સંકળાયેલો છું. મુંબઈમાં બનેલી વિવિધ ઘટનાઓના કવરેજમાં સહયોગ આપ્યો છે. લાંબા સમયથી સિટી ન્યૂઝની ઇન્ચાર્જશિપ સંભાળી છે. More »

સંબંધિત લેખો

Back to top button