ડૉલર સામે રૂપિયો ત્રણ પૈસા નરમ

મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં જળવાઈ રહેલી વેચવાલી ઉપરાંત વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં સુધારાતરફી વલણ અને ગત સપ્ટેમ્બર મહિનાના ઔદ્યોગિક ઉત્પાદનનો પીએમઆઈ આંક ઘટ્યો હોવાથી આજે ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ત્રણ પૈસાના ઘટાડા સાથે ૮૩.૮૨ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવમાં ઘટાડો આવ્યો હોવાથી રૂપિયો વધુ ગબડતો અટક્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૭૯ના બંધ સામે ૮૩.૮૧ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન ૮૩.૮૦ અને ઉપરમાં ૮૩.૮૦ની સાંકડી રેન્જમાં અથડાઈને અંતે ત્રણ પૈસા ઘટીને ૮૩.૮૨ની સપાટીએ બંધ રહ્યો હતો. સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે નરમાઈ, નબળા આર્થિક ડેટા અને ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં આજે ડૉલર સામે રૂપિયો દબાણ હેઠળ રહ્યો હોવાનું બીએનપી પારિબાસના વિશ્ર્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે ક્રૂડતેલના ભાવમાં ઘટાડાનો રૂપિયાને આંશિક ટેકો મળ્યો હતો. આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૨૭ ટકા વધીને ૧૦૦.૭૯ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો. તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૩૩.૪૯ પૉઈન્ટનો અને ૧૩.૯૫ પૉઈન્ટનો જોવા મળેલો ઘટાડો તથા ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૯૭૯૧.૯૩ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી.