રિઝર્વ બૅન્કના સંભવિત હસ્તક્ષેપે ડૉલર સામે રૂપિયામાં ચાર પૈસાનો સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ વૈશ્વિક બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં તેમ જ બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં સુધારાતરફી વલણ રહ્યું હોવાના નિર્દેશો તથા સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં જોવા મળેલા નરમાઈના અન્ડરટોન છતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં સંભવિતપણે રિઝર્વ બૅન્કનો બજારમાં હસ્તક્ષેપ અને ગત શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 459.20 કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાના અહેવાલે આજે ડૉલર સામે રૂપિયો આગલા બંધ સામે ચાર પૈસાના સુધારા સાથે 88.68ની સપાટીએ બંધ રહ્યો હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના 88.72ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 88.75ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 88.79 અને ઉપરમાં 88.57ની રેન્જમાં રહ્યા બાદ અંતે આગલા બંધ સામે ચાર પૈસાના સુધારા સાથે 88.68ના મથાળે બંધ રહ્યો હતો.
તાજેતરમાં ચીને મહત્ત્વના ખનીજોની નિકાસ પર નિયંત્રણોની જાહેરાત કરતાં અમેરિકાએ ગત શુક્રવારે ચીનથી થતી આયાત સામે 100 ટકા અતિરિક્ત ટૅરિફ લાદવાની ધમકી ઉચ્ચારતાં વૈશ્વિક સ્તરે ટ્રેડ વૉર વકરે તેવી ભીતિ સપાટી પર આવતાં આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ જોવા મળ્યું હતું. વધુમાં અમેરિકી ગવર્મેન્ટ શટડાઉનને કારણે આર્થિક ડેટાઓની જાહેરાત અટકતાં અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકે તેવો આશાવાદ પણ સેવાઈ રહ્યો હોવાથી એકંદરે બજારમાં સાવચેતીનું વલણ જોવા મળ્યું હોવાનું મિરે એસેટ્ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ જણાવ્યું હતું.
દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ આગલા બંધ સામે 0.13 ટકા વધીને 99.10 આસપાસ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ આગલા બંધ સામે 1.90 ટકા વધીને બેરલદીઠ 63.91 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે સ્થાનિક સ્તરે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 173.77 પૉઈન્ટનો અને 58 પૉઈન્ટનો ઘટાડો આવ્યો હોવાથી રૂપિયો દબાણ હેઠળ રહ્યો હતો. તેમ છતાં સંભવિતપણે રિઝર્વ બૅન્કે હાજર બજારમાં હસ્તક્ષેપ કરતાં રૂપિયામાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આ પણ વાંચો…વિદેશી હૂંડિયામણની અનામત 27.6 કરોડ ડૉલર ઘટીને 700 અબજની અંદર