વેપાર

ડૉલરમાં નબળાઈ અને ઈક્વિટી માર્કેટમાં તેજીથી રૂપિયો 30 પૈસા ઊછળ્યો

મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે તેજીનું વલણ અને વૈશ્વિક વિનિમય બજારમાં આર્થિક અનિશ્ચિતતા વચ્ચે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહ્યું હોવાના નિર્દેશો સાથે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના બંધ સામે 30 પૈસા ઊછળીને 85.80ની સપાટીએ બંધ રહ્યો હતો.

વધુમાં આજે વિશ્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં તથા ગત માર્ચ મહિનાનો હોલસેલ ફુગાવો ઘટીને છ મહિનાની નીચી 2.05 ટકાની સપાટીએ રહ્યો હોવાના નિર્દેશ તેમ જ તાજેતરમાં અમેરિકાએ ભારત પર લાદેલી 26 ટકા રેસિપ્રોકલ ટૅરિફ 90 દિવસ મોકૂફ રાખતા રૂપિયાના સુધારાને વધુ ટેકો મળ્યો હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવ્યું હતું.

ગઈકાલે ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતી નિમિત્તે બજાર બંધ રહ્યા બાદ આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના 86.10ના બંધ સામે સુધારાના અન્ડરટોને 85.85ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 85.85 અને ઉપરમાં 85.59ની રેન્જમાં અથડાઈને અંતે આગલા બંધ સામે 30 પૈસા વધીને 86.80ના મથાળે બંધ રહ્યો હતો. અત્રે નોંધનીય બાબત એ છે કે ગત શુક્રવારે ડૉલર સામે રૂપિયો 58 પૈસા ઊછળીને 86.10ની સપાટીએ બંધ રહ્યો હતો.

એકંદરે આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ, ઈક્વિટી માર્કેટમાં સુધારો તથા ક્રૂડતેલના ભાવમાં ઘટાડાને કારણે રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હતો, પરંતુ વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો ઈક્વિટીમાં સતત બાહ્યપ્રવાહ જળવાઈ રહ્યો હોવાથી સુધારો મર્યાદિત રહ્યો હોવાનું મિરે એસેટ શૅરખાનના વિશ્ર્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે અમારા મતે આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયો 85.40થી 86ની રેન્જમાં રહે તેવી શક્યતા નકારી ન શકાય.

આપણ વાંચો:  સોનાના ભાવમા સતત વધારો, અક્ષય તૃતીયા સુધી 10 ગ્રામનો ભાવ 1 લાખને પાર કરે તેવી શક્યતા

આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ આગલા બંધ સામે 0.02 ટકા ઘટીને 99.38 આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 0.11 ટકા ઘટીને બેરલદીઠ 64.81 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 1577.63 પૉઈન્ટનો અને 500 પૉઈન્ટનો ઉછાળો આવ્યો હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હતો, પરંતુ ગત શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 2519.03 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાથી રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button