ડૉલરમાં નબળાઈ અને સંભવિત રિઝર્વ બૅન્કના હસ્તક્ષેપે રૂપિયામાં 26 પૈસાનું બાઉન્સબૅક

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકાના ગઈકાલે જાહેર થયેલા રોજગારીના ડેટા બજારની અપેક્ષા કરતાં નબળા આવ્યાના અહેવાલો સાથે આજે વૈશ્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ અને રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ રૂપિયાના ધોવાણને ખાળવા માટે કરેલા બજારમાં હસ્તક્ષેપના નિર્દેશો સાથે આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલની ઐતિહાસિક નીચી સપાટીના બંધ સામે 26 પૈસાના બાઉન્સબૅક સાથે ફરી 90ની સપાટીની અંદર ઊતરીને 89.89ના મથાળે બંધ રહ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 90.15ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 90.36ના મથાળે ખૂલ્યા બાદ વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં વેચવાલી, બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં વધારો અને વિલંબિત થઈ રહેલી અમેરિકા-ભારતની ટ્રેડ ડીલ જેવાં કારણોસર વધુ 90.43 સુધી ગબડ્યા બાદ સંભવિતપણે રિઝર્વ બૅન્કનો બજારમાં હસ્તક્ષેપ રહેતાં સત્ર દરમિયાન ઉપરમાં 89.88 સુધી મજબૂત થયા બાદ અંતે ગઈકાલના બંધ સામે 26 પૈસાના સુધારા સાથે 89.89ના મથાળે બંધ રહ્યો હતો.
આ પણ વાંચો: ડૉલર સામે તળિયું શોધતો રૂપિયોઃ બાવીસ પૈસા તૂટીને 90.18ની સપાટીએ…
ગઈકાલે ચીફ ઈકોનોમિક એડ્વાઈઝર વી અનંથા નાગેશ્વરને જણાવ્યું હતું કે ગબડતા રૂપિયાને કારણે ફુગાવા અને નિકાસ પર માઠી અસર નથી પડતી. નબળા રૂપિયાથી આયાત મોંઘી થાય છે. આથી આયાત નિર્ભર હોય તેવા જેમ્સ અને જ્વેલરી, પેટ્રોલિયમ અને ઈલેક્ટ્રોનિક્સ જેવાં ક્ષેત્રો છે જેને આયાત પડતર વધવાથી ઓછો લાભ મળે છે.
દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે વધુ 0.01 ટકા ઘટીને 98.84 આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો. જોકે, આજે બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ 0.22 ટકા વધીને બેરલદીઠ 62.81 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હતો. જોકે, મિરે એસેટ્ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ જણાવ્યું હતું કે હાલમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં વેચવાલીનું દબાણ અને ક્રૂડતેલના વાયદામાં વધતા ભાવ રૂપિયાને દબાણ હેઠળ રાખે તેમ જણાય છે. તેમ છતાં ડૉલર ઈન્ડેક્સની નરમાઈ ગબડતાં રૂપિયાને અમુક અંશે ટેકો આપશે. જોકે, આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 158.51 પૉઈન્ટનો અને 47.75 પૉઈન્ટનો સુધારો આવ્યો હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.



