
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં અવિરત વેચવાલીના દબાણ, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં વધારો તેમ જ ભારત-અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલની અનિશ્ચિતતાઓ વચ્ચે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો તળિયું શોધી રહ્યો હોય તેમ સત્ર દરમિયાન એક તબક્કે 90.30ની અત્યાર સુધીની સૌથી નીચી સપાટી સુધી પહોંચ્યા બાદ અંતે ગઈકાલના બંધ સામે બાવીસ પૈસા તૂટીને 90.18ના મથાળે બંધ રહ્યો હતો.
જોકે, આજે ડૉલર ઈન્ડેક્સમાં જોવા મળેલી સાધારણ નરમાઈનો અમુક અંશે ટેકો મળ્યો હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવતાં ઉમેર્યું હતું કે આજે રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયા દ્વારા પણ ગબડતાં રૂપિયાને અટકાવવા કોઈ પ્રયાસ થયા હોય તેવું જણાયું નહોતું.
આજે સત્રના આરંભે ડૉલર સામે રૂપિયો ગઈકાલના 89.96ના બંધ સામે ભાવ ટૂ ભાવ 89.96ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 90.30 અને ઉપરમાં 89.93ની રેન્જમાં અથડાઈને સત્રના અંતે બાવીસ પૈસાના ઘટાડા સાથે 90.18ની સપાટીએ બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે સટ્ટોડિયાઓ દ્વારા વેચાણો કપાયા હોવાથી રૂપિયામાં 43 પૈસાનો કડાકો બોલાઈ ગયો હતો.
એકંદરે વિદેશી રોકાણકારોના વેચવાલીની દબાણ છતાં વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ વધી આવવાની સાથે ભારત-અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલની અનિશ્ચિતતાને કારણે રૂપિયો વધુ દબાણ હેઠળ આવ્યો હતો, પરંતુ ડૉલર ઈન્ડેક્સમાં જોવા મળેલી નરમાઈને કારણે રૂપિયામાં તીવ્ર કડાકો અટક્યો હોવાનું મિરે એસેટ્ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે ક્રૂડતેલના વધતા ભાવ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલીને ધ્યાનમાં લેતા આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયો દબાણ હેઠળ રહે તેમ જણાય છે.
જોકે, અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા ડૉલરની નબળાઈ રૂપિયાને ટેકો આપે તેમ હોવાથી રૂપિયાની રેન્જ 89.80થી 90.50ની રહે તેમ જણાય છે.જોકે, ફિનરેક્સ ટ્રેઝરી ઍડ્વાઈઝર્સના એક્ઝિક્યુટીવ અને ટ્રેઝરી હેડ અનિલ કુમાર ભણસાળીએ જણાવ્યું હતું કે જો આજે રિઝર્વ બૅન્કે હસ્તક્ષેપ ન કર્યો હોત તો રૂપિયો 90.30ની સપાટી પણ પાર કરી ગયો હોત.
દરમિયાન આજે નવેમ્બર મહિનાનો સિઝનલી એડજસ્ટેડ એચએસબીસી ઈન્ડિયા સર્વિસીસ પીએમઆઈ આંક આગલા ઑક્ટોબર મહિનાના 58.9 સામે વધીને 59.8ની સપાટીએ રહ્યો હોવાના અહેવાલ હતા. વધુમાં આજે બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ વધ્યા મથાળેથી 0.91 ટકા ઘટીને બેરલદીઠ 63.02 ડૉલર આસપાસ અને ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.20 ટકા ઘટીને 99.16 આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાના અહેવાલ છતાં સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 31.46 પૉઈન્ટનો અને 46.20 પૉઈન્ટ ઘટીને બંધ રહ્યો હોવાથી તેમ જ ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 3642.30 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાથી ગબડતા રૂપિયાને ઢાળ મળ્યો હતો.



