ડૉલર સામે રૂપિયામાં બે પૈસાનો સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ તથા બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં સુધારાતરફી વલણ ઉપરાંત સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાંકડી વધઘટે અથડાઈને ગઈકાલના બંધ સામે સાધારણ બે પૈસાના સુધારા સાથે 88.75ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 1440.66 કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાના નિર્દેશોને ધ્યાનમાં લેતા રૂપિયામાં સુધારાને ટેકો મળ્યો હોવાનું ટ્રેડરોએ જણાવ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 88.77ના બંધ સામે સાધારણ સુધારા સાથે 88.76ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 88.81 અને ઉપરમાં 88.75ની સાંકડી રેન્જમાં અથડાઈને અંતે બે પૈસાના સુધારા સાથે 88.75ના મથાળે બંધ રહ્યો હતો.
પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.31 ટકા વધીને 98.88 આસપાસ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 1.25 ટકા વધીને બેરલદીઠ 66.27 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ આજે સ્થાનિકમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 153.09 પૉઈન્ટનો અને 62.15 પૉઈન્ટનો ઘટાડો આવ્યો હોવાથી રૂપિયો અમુક અંશે દબાણ હેઠળ રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
તાજેતરમાં વાણિજ્ય અને ઉદ્યોગ ખાતાના પ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચે દ્વીપક્ષીય કરાર માટે સતત વાટાઘાટો ચાલી રહી છે અને નવેમ્બર સુધીમાં વાટાઘાટોનો અંત આવે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.
આપણ વાંચો : ભારે વરસાદને કારણે ઉત્તર બંગાળના નાના ચા ઉત્પાદકોને અભૂતપૂર્વ નુકસાન