વેપાર

આરબીઆઈએ રેપો રેટમાં કાપ મૂકતાં ડૉલર સામે રૂપિયો વધુ છ પૈસા નરમ…

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
વૈશ્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયામાં સત્ર દરમિયાન એક તબક્કે 20 પૈસા જેટલો સુધારો નોંધાયો હતો. જોકે, ત્યાર બાદ રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ આજે ત્રણ દિવસીય નાણાનીતિની સમીક્ષાની બેઠકના અંતે છ મહિનામાં પહેલી વખત બૅન્ચમાર્ક વ્યાજ દરમાં કાપ મૂકવાનો નિર્ણય લીધો હોવાથી રૂપિયો દબાણ હેઠળ આવ્યો હતો.

તેમ છતાં તેની સામે રિઝર્વ બૅન્કે ઓપન માર્કેટ ઓપરેશન મારફતે રૂ. એક લાખ કરોડનાં સરકારી બૉન્ડ તેમ જ પાંચ અબજ ડૉલરનાં ત્રણ વર્ષીય બાય-સેલ સ્વેપ હાથ ધરવાનો નિર્ણય લીધો હોવાથી અમુક અંશે રૂપિયાને ટેકો મળતાં સત્રના અંતે રૂપિયો છ પૈસાના ઘટાડા સાથે 89.95ના મથાળે બંધ રહ્યો હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવ્યું હતું.

આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 89.95ના બંધ સામે સુધારા સાથે 89.85ની સપાટીએ ખૂલ્યા બાદ 20 પૈસા મજબૂત થયો હતો, પરંતુ રિઝર્વ બૅન્કની બેઠકની ફળશ્રુતિ પશ્ચાત્‌‍ સુધારો ધોવાઈ ગયો હતો અને નીચામાં 90.06 સુધી ક્વૉટ થયા બાદ અંતે છ પૈસા ઘટીને 89.95ની સપાટીએ બંધ રહ્યો હતો.

રિઝર્વ બૅન્કે આજે રિપોરેટ 25 બેસિસ પૉઈન્ટ ઘટાડીને 5.25 નિર્ધારિત કર્યો હતો. તેમ જ રૂ. એક લાખ કરોડનાં ઓપન માર્કેટ ઓપરેશન મારફતે સરકારી બૉન્ડની ખરીદી અને પાંચ અબજ ડૉલરના બાય-સેલ સ્વેપના નિર્ણયનો આશય બજારમાં ટકાઉ પ્રવાહિતા લાવવા અને ડૉલર સામે રૂપિયામાં થયેલા ધોવાણ પશ્ચાત્‌‍ ચલણમાં સ્થિરતા લાવવાનો નિર્ણાયક પ્રયાસ હોવાનું એક્સિસ લાઈફ ઈન્સ્યોરન્સનાં વાઈસ પ્રેસિડૅન્ટ અને ચીફ ઈન્વેસ્ટમેન્ટ ઑફિસર સચિન બજાજે જણાવ્યું હતું.

નોંધનીય બાબત એ છે કે રિઝર્વ બૅન્કના ગવર્નર સંજય મલ્હોત્રાએ રિઝર્વ બૅન્કે રૂપિયા માટે કોઈ સ્તર કે ભાવ નિર્ધારિત નથી કર્યો અને બજાર પરિબળો અનુસાર તેમાં વધઘટ થઈ રહી છે. જોકે, બજારમાં અતિરિક્ત ચંચળતા ખાળવા માટે આરબીઆઈ પ્રયાસ કરતી હોય છે. વધુમાં આજે રિઝર્વ બૅન્કે નાણાનીતિમાં તટસ્થ વલણ જાળવી રાખવાની સાથે ફુગાવાનો અંદાજ જે 2.6 ટકા મૂક્યો હતો તે ઘટાડીને બે ટકાનો અને નાણાકીય વર્ષ 2026 માટેના જીડીપીનો અંદાજ જે 6.8 ટકા મૂક્યો હતો તે વધારીને 7.3 ટકા કર્યો હતો.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે દેશમાં પર્યાપ્ત વિદેશી હૂંડિયામણની અનામત છે, ચાલુ ખાતાની ખાધ મેનેજ થઈ શકે તેમ છે અને આર્થિક પરિબળો પણ મજબૂત હોવાથી આગામી સમયગાળામાં મૂડીગત્‌‍ પ્રવાહ પણ મજબૂત જોવા મળે તેવી શક્યતા છે.

દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.03 ટકા ઘટીને 98.96 આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 447.05 પૉઈન્ટનો અને 152.70 પૉઈન્ટનો સુધારો આવ્યો હોવાથી રૂપિયામાં ઘટાડો મર્યાદિત રહ્યો હતો.

જોકે, આજે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 0.02 ટકા વધીને બેરલદીઠ 63.27 ડૉલર ક્વૉટ થઈ રહ્યા હતા અને ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 1944.19 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાનું એક્સચેન્જે આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button