ડૉલર સામે રૂપિયામાં બે પૈસાનો સુધારો…

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ તથા બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં આજે સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું, જ્યારે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ રહ્યાના નિર્દેશો સાથે ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાંકડી વધઘટે અથડાઈને સત્રના અંતે સાધારણ બે પૈસાના સુધારા સાથે 88.77ના મથાળે બંધ રહ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના 88.79ના બંધ સામે સુધારાના અન્ડરટોને 88.75ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 88.83 અને ઉપરમાં 88.74ની રેન્જમાં અથડાઈને અંતે બે પૈસાના સુધારા સાથે 88.77ની સપાટીએ બંધ રહ્યો હતો.
તાજેતરમાં સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં જોવા મળી રહેલા મજબૂત વલણ અને વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ તથા ક્રૂડતેલના ભાવ દબાણ હેઠળ રહેતાં હોવાથી આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયામાં ધીમો સુધારો જોવા મળે તેવી શક્યતા વ્યક્ત કરતાં મિરે એસેટ્ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે આયાતકારોની ડૉલરમાં લેવાલી રૂપિયાને અમુક અંશે દબાણ હેઠળ રાખી શકે છે તેમ છતાં અમારા મતે ડૉલર સામે રૂપિયો 88.50થી 89 આસપાસની રેન્જમાં રહે તેમ જણાય છે.
પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ આગલા બંધ સામે 0.73 ટકા વધીને 98.43 આસપાસ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ આગલા બંધ સામે 1.61 ટકા વધીને બેરલદીઠ 65.58 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી અનુક્રમે 582.95 પૉઈન્ટ અને 183.40 પૉઈન્ટ વધીને બંધ રહ્યો હોવાથી રૂપિયો બેતરફી વધઘટે અથડાઈ ગયો હતો.
આ પણ વાંચો…મોંઘવારી અને આર્થિક સંકટ સામે લડવા ઈરાનનું મોટુ પગલુ, ચલણમાંથી ચાર શૂન્ય દૂર કરાયા