ડૉલર સામે રૂપિયો આઠ પૈસા નરમ | મુંબઈ સમાચાર
વેપાર

ડૉલર સામે રૂપિયો આઠ પૈસા નરમ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ
સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલરમાં આયાતકારોની પ્રબળ લેવાલી, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની અવિરત વેચવાલીનું દબાણ ઉપરાંત વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવવધારો જોવા મળ્યો હોવાથી ડૉલર સામે રૂપિયો આઠ પૈસાના ઘટાડા સાથે ઐતિહાસિક નીચી સપાટીની નજીક 88.79ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ અને ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી રૂપિયામાં ધોવાણ મર્યાદિત રહ્યું હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવ્યું હતું.

આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત બુધવારના 88.71ના બંધ સામે સાધારણ સુધારા સાથે 88.68ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 88.85 અને ઉપરમાં 88.68ની રેન્જમાં રહ્યા બાદ અંતે આગલા બંધ સામે આઠ પૈસાના ઘટાડા સાથે 88.79ની સપાટીએ બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ગુરુવારે બજાર દશેરા અને ગાંધી જયંતી નિમિત્તે બંધ રહી હતી, જ્યારે બુધવારે ડૉલર સામે રૂપિયામાં નવ પૈસાનો સુધારો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: આરબીઆઈની પૉલિસીની જાહેરાત પશ્ચાત્‌‍ ડૉલર સામે રૂપિયો નવ પૈસાના સુધારા સાથે ઐતિહાસિક તળિયેથી પાછો ફર્યો

એકંદરે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ અને ક્રૂડ તેલમાં નરમાઈ જોવા મળી રહી હોવાથી રૂપિયામાં સુધારાતરફી વલણ જોવા મળે તેવી શક્યતા છે. જોકે, આયાતકારોની ડૉલરમાં માગ રૂપિયામાં સુધારો મર્યાદિત રાખી શકે છે, એમ મિરે એસેટ્ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ જણાવતા ઉમેર્યું હતું કે અમારા મતે આગામી ટૂંકા સમયગાળામાં ડૉલર સામે રૂપિયો 88.40થી 89ની રેન્જમાં જોવા મળી શકે છે.

દરમિયાન આજે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડ તેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 1.03 ટકા વધીને બેરલદીઠ 64.77 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા અને ગત બુધવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 1605.20 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાથી તેમ જ આયાતકારોની ડૉલરમાં લેવાલી રહેતાં રૂપિયો દબાણ હેઠળ આવ્યો હતો. જોકે, આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ આગલા બંધ સામે 0.06 ટકા ઘટીને 97.78 આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 223.86 પૉઈન્ટનો અને 57.95 પૉઈન્ટનો સુધારો આવ્યો હોવાથી રૂપિયામાં ઘટાડો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button