આયાતકારોની ડૉલરમાં લેવાલી નીકળતા રૂપિયો 14 પૈસા તૂટ્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ આંતરરાષ્ટ્રીય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને માસાન્તને કારણે સ્થાનિક આયાતકારોની ડૉલરમાં લેવાલી નીકળતા આજે ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના બંધ સામે 14 પૈસા તૂટીને 89.36ના મથાળે બંધ રહ્યો હતો.
જોકે, આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ, ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 4778.03 કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાના નિર્દેશ ઉપરાંત બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં પણ નરમાઈનું વલણ રહ્યું હોવાથી રૂપિયામાં મોટો કડાકો અટક્યો હોવાનું ટ્રેડરોએ જણાવ્યું હતું.
આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 89.22ના બંધ સામે સાધારણ સુધારા સાથે 89.19ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 89.40 અને ઉપરમાં 89.19ની રેન્જમાં રહ્યા બાદ ગઈકાલના બંધ સામે 14 પૈસાના ઘટાડા સાથે 89.36ની સપાટીએ બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ડૉલર સામે રૂપિયામાં ટકેલું વલણ જોવા મળ્યું હતું.
વિશ્લેષકોના જણાવ્યાનુસાર આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.11 ટકા વધીને 99.63 આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી તેમ જ માસાન્તને કારણે આયાતકારોની લેવાલી ઉપરાંત બૅન્કોની માસાન્તના પેમેન્ટ્સ સેટલમેન્ટ માટે લેવાલી નીકળતાં રૂપિયો દબાણ હેઠળ રહ્યો હતો.
જોકે, આજે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 0.03 ટકા ઘટીને બેરલદીઠ 63.11 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી અનુક્રમે 110.87 પૉઈન્ટ અને 10.25 પૉઈન્ટ વધીને બંધ રહ્યા હોવાથી અને ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 4778.03 કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાનું એક્સચેન્જની આંકડાકીય માહિતી પરથી જણાયું હોવાથી રૂપિયામાં ઘટાડો મર્યાદિત રહ્યો હતો.
આ પણ વાંચો…રેટકટનો આશાવાદ પ્રબળ બનતાં વૈશ્વિક સોનું બે સપ્તાહની ટોચ નજીક



