ડૉલર સામે રૂપિયો પાંચ પૈસા નરમ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકા સાથેનાં વેપાર કરાર અંગેના તણાવ ઉપરાંત વૈશ્વિક અનિશ્ચિતતાના માહોલમાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો પાંચ પૈસા તૂટીને 88.01ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, આજે વૈશ્વિક બજારમાં ડૉલર ઈન્ડેક્સ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં નરમાઈ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ ઉપરાંત ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં લેવાલી જળવાઈ રહી હોવાના નિર્દેશોને ધ્યાનમાં લેતા રૂપિયામા ઘટાડો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 87.96ના બંધ સામે સુધારાના અન્ડરટોને 87.91ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 88.09 અને ઉપરમાં 87.75ની રેન્જમાં રહ્યા બાદ અંતે ગઈકાલના બંધ સામે પાંચ પૈસાના ઘટાડા સાથે 88.01ની સપાટીએ બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ડૉલર સામે રૂપિયામાં 12 પૈસાનો સુધારો આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ગઈકાલે ભારતે બજારની સ્થિતિ અનુસાર ઉર્જાના સ્રોતનું અથવા તો ક્રૂડતેલની ખરીદી વિકેન્દ્રિત કરશે તેવું જણાવ્યાના એક કલાક બાદ ટ્રમ્પે દાવો કર્યો હતો કે નરેન્દ્ર મોદીએ મને રશિયાથી તેલની ખરીદી બંધ કરવાની બાંયધરી આપી છે. જોકે, ભારતના બાહ્ય બાબતોનાં ખાતાના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ સંદર્ભે ફોન પર થયેલી વાતચીતથી પોતે અજાણ હોવાનું જણાવતા ઉમેર્યું હતું કે એનર્જીનાં ભાવમાં સ્થિરતા અને સલામત પુરવઠો અમારી એનર્જીની નીતિના મુખ્ય ધ્યેય છે આથી બજારની સ્થિતિ અનુસાર એજનર્જીનાં સ્રોતનું સુસંસગત વિકેન્દ્રિકરણ થઈ શકે છે.
દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.11 ટકા ઘટીને 98.22 આસપાસ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 1.10 ટકા ઘટીને બેરલદીઠ 60.39 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 484.53 પૉઈન્ટનો અને 124.55 પૉઈન્ટનો સુધારો આવ્યો હોવાના અને ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 997.29 કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાથી રૂપિયામાં ઘટાડો સીમિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.