ડૉલર સામે રૂપિયો 12 પૈસા તૂટ્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ રહ્યું હોવા છતાં આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં તથા બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં મજબૂત વલણ રહ્યું હોવાના અહેવાલ ઉપરાંત સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલીનું દબાણ જળવાઈ રહેતાં ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 12 પૈસા તૂટીને 88.62ની સપાટીએ બંધ રહ્યો હતો.
ફોરેક્સ ટ્રેડરોનાં જણાવ્યાનુસાર અમેરિકા-ભારત વચ્ચે ટ્રેડ ડીલ થઈ જવાના અને અમેરિકી ગવર્મેન્ટ શટડાઉનનો અંત આવવાના આશાવાદને કારણે રૂપિયાને નીચી સપાટીએથી ટેકો મળ્યો હોવાથી ધોવાણ મર્યાદિત રહ્યું હતું.
આપણ વાચો: ક્રૂડતેલના ભાવ ઘટતાં ડૉલર સામે રૂપિયો સાત પૈસા ઊંચકાયો…
બજારના સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 88.50ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 88.61ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 88.66 અને ઉપરમાં 883.56ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે 12 પૈસા તૂટીને 88.62ની સપાટીએ બંધ રહ્યો હતો.
દરમિયાન આજે વિશ્વ બજારમાં ખાસ કરીને અમેરિકી શટડાઉનનો ટૂંક સમયમાં અંત આવે તેવા આશાવાદ સાથે ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.15 ટકા વધીને 99.58 આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો.
આપણ વાચો: ડૉલર સામે રૂપિયો બેતરફી વધઘટે અથડાઈને સાધારણ એક પૈસો નરમ…
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે અમેરિકી સંસદે શટડાઉનના અંત માટે મંજૂરી આપી છે, પરંતુ આજે હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવમાં મતદાન થયા બાદ અંતિમ નિર્ણય પર બજારની નજર રહેશે. વધુમાં આજે અમેરિકાની ટ્રેડ ડીલના આશાવાદ વચ્ચે બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 0.36 ટકા વધીને બેરલદીઠ 64.28 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
વધુમાં ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 803 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાના નિર્દેશને કારણે રૂપિયો વધુ દબાણ હેઠળ આવ્યો હતો. જોકે, આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 595.19 પૉઈન્ટનો અને 180.85 પૉઈન્ટનો સુધારો આવ્યો હોવાથી રૂપિયાને અમુક અંશે ટેકો મળ્યો હતો.



