ડૉલર સામે રૂપિયાના છ સત્રના સુધારાને બ્રેક, બે પૈસાનો ઘટાડો
મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં સુધારાતરફી વલણ ઉપરાંત ગત ઑગસ્ટ મહિનાનો દેશનો સર્વિસીસ પીએએમઆઈ ઈન્ડેક્સ ઘટી આવતા આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં સતત છ સત્ર દરમિયાન જોવા મળેલા સુધારાને બ્રેક લાગી હતી અને બે પૈસા ઘટીને ૮૩.૫૪ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ અને ગત શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં ચોખ્ખી લેવાલી રહી હોવાના નિર્દેશને ધ્યાનમાં લેતા રૂપિયામાં ઘટાડો મર્યાદિત રહ્યો હોવાનું ટ્રેડરોએ જણાવ્યું હતું. સ્થાનિકમાં સત્રના આરંભે ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના ૮૩.૫૨ના બંધ સામે આઠ પૈસાના સુધારા સાથે ૮૩.૪૪ની સપાટીએ ખૂલ્યો હતો, પરંતુ આ સુધારો ધોવાઈ જતા સત્ર દરમિયાન નીચામાં ૮૩.૫૫ અને ઉપરમાં ૮૩.૪૪ની રેન્જમાં અથડાઈને અંતે બે પૈસાના ઘટાડા સાથે ૮૩.૫૪ના મથાળે બંધ રહ્યો હતો. ઈક્વિટીમાં સુધારાતરફી વલણ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની લેવાલી જળવાઈ રહેતાં આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયામાં સુધારાતરફી વલણ રહે તેવી શક્યતા વ્યક્ત કરતાં બીએનપી પારિબાસના વિશ્ર્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે શક્યત: ક્રૂડ તેલના ભાવમાં વધારો અને ડૉલર ઈન્ડેક્સમાં સુધારાતરફી વલણ રૂપિયાના સુધારાને મર્યાદિત રાખી શકે છે. ગત ઑગસ્ટ મહિનામાં દેશનો સર્વિસીસ પીએમઆઈ ઈન્ડેક્સ જુલાઈ મહિનાના ૬૦.૯ સામે ઘટીને ૫૮.૯ની સપાટીએ રહ્યો હોવાના અહેવાલ, વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ આગલા બંધ સામે ૦.૩૪ ટકા વધીને ૧૦૧.૦૬ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ આગલા બંધ સામે ૦.૨૬ ટકા વધીને બેરલદીઠ ૭૪.૬૮ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી રૂપિયો દબાણ હેઠળ આવ્યો હતો. માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં ૩૮૪.૩૦ પૉઈન્ટ અને ૧૪૮.૧૦ પૉઈન્ટનો સુધારો આવ્યો હોવાથી શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૧૪,૦૬૪.૦૫ કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાથી રૂપિયામાં ધોવાણ સીમિત રહ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.