વેપાર
ડૉલર સામે રૂપિયો ૧૦ પૈસા તૂટીને ઐતિહાસિક નીચી સપાટીએ
મુંબઈ: આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં પીછેહઠ જોવા મળી હોવા છતાં સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ, વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં જળવાઈ રહેલી વેચવાલી, બ્રેન્ટ ક્રૂડતેલના ભાવમાં વધારો અને દેશની વિદેશી હૂંડિયામણની અનામતમાં ૪૬.૨ કરોડનો ઘટાડો થયો હોવાના નિર્દેશોને ધ્યાનમાં લેતા આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો આગલા બંધ સામે ૧૦ પૈસા તૂટીને ૮૩.૩૬ની ઐતિહાસિક નવી નીચી સપાટીએ બંધ રહ્યો હતો.
આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના ૮૩.૨૬ના બંધ સામે સાધારણ સુધારા સાથે ૮૩.૨૫ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૩૬ અને ઉપરમાં ૮૩.૨૩ની રેન્જમાં અથડાઈને અંતે ૧૦ પૈસાના ઘટાડા સાથે ૮૩.૩૬ની નવી ઐતિહાસિક નીચી સપાટીએ બંધ રહ્યો હતો. આ પૂર્વે ગત ૧૩મી નવેમ્બરના રોજ ડૉલર સામે રૂપિયો ૮૩.૩૩ના તળિયે બંધ રહ્યો હતો.