ડૉલર સામે રૂપિયો ઐતિહાસિક ઊંચી સપાટીએથી પાછો ફર્યો: પાંચ પૈસાનો સુધારો
મુંબઈ: દેશની કુલ વિદેશી હૂંડિયામણની અનામતમાં વધારો, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારો અને વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો પાંચ પૈસાના સુધારા સાથે ઐતિહાસિક ઊંચી સપાટીએથી પાછો ફર્યો હતો અને ૮૩.૩૪ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ૧.૧૮ ટકા જેટલા વધી આવ્યા હોવાથી રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હતો.
આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના ૮૩.૪૦ના બંધ સામે સુધારાના ટોને ૮૩.૩૭ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૩૯ અને ઉપરમાં ૮૩.૩૨ની રેન્જમાં અથડાઈને અંતે આગલા બંધ સામે પાંચ પૈસા વધીને ૮૩.૩૪ની સપાટીએ બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ગુરુ નાનક જયંતી નિમિત્તે બજાર બંધ રહી હતી અને તે પૂર્વે શુક્રવારે ડૉલર સામે રૂપિયો ગબડીને ૮૩.૪૦ની ઐતિહાસિક નીચી સપાટીએ બંધ રહ્યો હતો.
રિઝર્વ બૅન્કે ગત શુક્રવારે જાહેર કરેલી સાપ્તાહિક આંકડાકીય માહિતી અનુસાર ગત ૧૭ નવેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહે દેશની કુલ વિદેશી હૂંડિયામણની અનામત ૫.૦૭૭ અબજ ડૉલર વધીને ૫૯૫.૩૯૭ અબજ ડૉલરની સપાટીએ રહી હોવાના અહેવાલ ઉપરાંત આજે વૈશ્ર્વિક બજારમાં ડૉલર ઈન્ડેક્સ ૦.૦૨ ટકા ઘટીને ૧૦૩.૧૮ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં જોવા મળેલા અનુક્રમે ૨૦૪.૧૬ પૉઈન્ટ અને ૯૫ પૉઈન્ટના સુધારા ઉપરાંત ગત શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૨૬૨૫.૨૧ કરોડની લેવાલી રહી હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હતો, પરંતુ આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૧.૧૮ ટકા વધીને બેરલદીઠ ૮૦.૯૨ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી રૂપિયામાં સુધારો સિમિત રહ્યો હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.ઉ