ડૉલર સામે રૂપિયામાં સાધારણ સુધારો
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ તેમ જ અમેરિકી ૧૦ વર્ષીય બૉન્ડની યિલ્ડમાં વધારો આવી રહ્યો હોવાથી અને સ્થાનિક સ્તરે ઈક્વિટી માર્કેટમાં નરમાઈ સાથે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં વેચવાલીનું દબાણ જળવાઈ રહ્યું હોવા છતાં વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાંકડી વધઘટે અથડાઈને ગઈકાલના બંધ સામે સાધારણ એક પૈસાના સુધારા સાથે ૮૪.૦૮ના મથાળે બંધ રહ્યો હતો. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૪.૦૮ના બંધ સામે સાધારણ સુધારા સાથે ૮૪.૦૭ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૪.૦૮ અને ઉપરમાં ૮૪.૦૭ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે સાધારણ એક પૈસાના સુધારા સાથે સત્રની ખૂલતી જ ૮૪.૦૭ની સપાટીએ બંધ રહ્યો હતો. અમેરિકાની પ્રમુખપદની ચૂંટણીનાં પરિણામો પૂર્વે વૈશ્ર્વિક બજારોમાં અનિશ્ર્ચિતતાનું વલણ, ડૉલર ઈન્ડેક્સ અને ટ્રેઝરીની યિલ્ડમાં મજબૂત વલણ ઉપરાંત સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની અવિરત વેચવાલીનું દબાણ અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે આજે વૈશ્ર્વિક આર્થિક વૃદ્ધિ મંદ પડવાનો અંદાજ મૂકતા રૂપિયો દબાણ હેઠળ આવ્યો હતો. જોકે, આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં જોવા મળેલા ઘટાડાને કારણે રૂપિયામાં સાધારણ સુધારો જોવા મળ્યો હોવાનું બીએનપી પારિબાસના વિશ્ર્લેષક અનુજ ચૌધરીએ જણાવ્યું હતું. આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૨૮ ટકા વધીને ૧૦૪.૧૯ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો, જ્યારે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૧૩૮.૭૪ પૉઈન્ટનો અને ૩૬.૬૦ પૉઈન્ટનો ઘટાડો આવવાથી તેમ જ ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૩૯૭૮.૬૧ કરોડની ચોખ્ખી વેચવાલીને કારણે રૂપિયો દબાણ હેઠળ રહ્યો હતો. તેમ છતાં આજે બ્રેન્ટ ક્રૂડતેલના ભાવ ગઈકાલના બંધ સામે ૧.૧૭ ટકા ઘટીને બેરલદીઠ ૭૫.૧૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી રૂપિયામાં સાધારણ સુધારો જોવા મળ્યો હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.