ડૉલર સામે રૂપિયામાં બે પૈસાનો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંતરરાષ્ટ્રીય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સ તથા બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ધીમો સુધારો જળવાઈ રહ્યો હોવા છતાં સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ જોવા મળતાં આજે ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાંકડી વધઘટે અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે સાધારણ બે પૈસાના સુધારા સાથે ૮૩.૨૨ના મથાળે બંધ રહ્યો હતો.
આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૨૭ના બંધ સામે સુધારાના અન્ડરટોને ૮૩.૨૪ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૨૬ અને ઉપરમાં ૮૩.૨૨ની સાંકડી રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે બે પૈસા વધીને ૮૩.૨૫ની સપાટીએ બંધ રહ્યો હતો.
પ્રવર્તમાન વૈશ્ર્વિક બજારોની સ્થિતિ તેમ જ મધ્યપૂર્વના દેશોમાં તણાવને ધ્યાનમાં લેતા આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયામાં થોડાઘણાં અંશે સુધારાતરફી વલણ જોવા મળે તેવી શક્યતા બીએનપી પારિબાસનાં વિશ્ર્લેષક અનુજ ચૌધરીએ જણાવતા ઉમેર્યું હતું કે જો ઈઝરાયલ-હમાસ વચ્ચે તણાવમાં વધારો થાય તો સુધારો મર્યાદિત રહે તેવી શક્યતા નકારી ન શકાય.
દરમિયાન આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૦૯ ટકાના સાધારણ સુધારા સાથે ૧૦૬.૩૩ આસપાસ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૪૧ ટકા વધીને બેરલદીઠ ૯૦.૦૨ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૫૯૩.૬૬ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવા છતાં આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૨૬૧.૧૬ પૉઈન્ટનો અને ૭૯.૭૫ પૉઈન્ટનો સુધારો જોવા મળ્યો હોવાથી રૂપિયામાં સુધારો જોવા મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.