વેપાર

ડૉલર સામે રૂપિયામાં ત્રણ પૈસાનો સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ અને વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો ત્રણ પૈસાના સુધારા સાથે ૮૩.૯૪ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવવધારો અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી જળવાઈ રહી હોવાથી રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવ્યું હતું.

આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૯૭ના બંધ સામે સુધારાના અન્ડરટોને ૮૩.૯૫ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૯૬ અને ઉપરમાં ૮૩.૮૮ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે ત્રણ પૈસાના સુધારા સાથે ૮૩.૯૪ના મથાળે બંધ રહ્યો હતો. ગઈકાલે રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાની મૉનૅટરી પૉલિસીની જાહેરાત બાદ હવે બજારની નજર આગામી સપ્તાહે જાહેર થનારા અમેરિકાના સીપીઆઈના ડેટા, ભારતનાં સીપીઆઈ અને ડબ્લ્યુપીઆઈ અને આઈઆઈપી ડેટા અને ભારતનાં ટ્રેડ ડેટા પર સ્થિર થઈ હોવાનું ટ્રેડરોએ જણાવ્યું હતું.

દરમિયાન આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૦૫ ટકા ઘટીને ૧૦૩.૧૫ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૮૧૯.૬૯ પૉઈન્ટનો અને ૨૫૦.૫૦ પૉઈન્ટનો સુધારો આવ્યો હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હતો. તેમ છતાં ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૨૬૨૬.૭૩ કરોડની ચોખ્ખી વેચવાલી અને આજે બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૧૮ ટકા વધીને બેરલદીઠ ૭૯.૩૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button