ડૉલર સામે રૂપિયામાં ત્રણ પૈસાનો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ તથા અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં પીછેહઠના નિર્દેશ ઉપરાંત સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે બાઉન્સબૅક જોવા મળી હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના બંધ સામે ત્રણ પૈસાના સુધારા સાથે ૮૩.૨૫ની સપાટીએ બંધ રહ્યો હતો.
એકંદરે આજે મધ્યપૂર્વના દેશોમાં વધેલા તણાવને કારણે રોકાણકારોની ડૉલરમાં સલામતી માટેની માગ રહી હોવાથી રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હતો. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૨૮ના બંધ સામે સુધારાના અન્ડરટોને ૮૩.૨૩ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૨૬ અને ઉપરમાં ૮૩.૨૨ની રેન્જમાં અથડાઈને અંતે સાધારણ ત્રણ પૈસાના સુધારા સાથે ૮૩.૨૫ના મથાળે બંધ રહ્યો હતો.
પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૨૭ ટકા ઘટીને ૧૦૫.૮૦ આસપાસ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૨૩ ટકા ઘટીને બેરલદીઠ ૮૭.૯૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૫૬૬.૯૭ પૉઈન્ટનો અને ૧૭૭.૫૦ પૉઈન્ટનો સુધારો આવ્યો હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હતો. તેમ છતાં ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૯૯૭.૭૬ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાના નિર્દેશોને ધ્યાનમાં લેતા રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.