ડૉલર સામે રૂપિયામાં છ પૈસાનો સુધારો
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે સુધારાતરફી વલણ રહ્યું હોવાથી સતત બે સત્ર સુધી ડૉલર સામે રૂપિયામાં જોવા મળેલો ઘટાડો અટક્યો હતો અને ગઈકાલના બંધ સામે છ પૈસાના સુધારા સાથે ૮૩.૨૨ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં વેચવાલીનું દબાણ અને ક્રૂડતેલના ભાવમાં વધારાને કારણે રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હતો. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૨૮ના બંધ સામે સુધારાના અન્ડરટોને ૮૩.૨૩ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૨૪ અને ઉપરમાં ૮૩.૧૮ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે છ પૈસાના સુધારા સાથે ૮૩.૨૨ના મથાળે બંધ રહ્યો હતો. અત્રે નોંધનીય બાબત એ છે કે આ પૂર્વે છેલ્લાં બે સત્ર દરમિયાન ડૉલર સામે રૂપિયામાં ૩૪ પૈસાનો ઘટાડો આવ્યો હતો. અમેરિકી ફેડરલ રિઝર્વ લાંબા સમયગાળા સુધી વ્યાજદર ઊંચી સપાટીએ રાખે તેવી શક્યતાઓને ધ્યાનમાં લેતા આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૦૫ ટકા વધીને દસ મહિનાની ઊંચી ૧૦૬.૨૮ની સપાટી આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો, ટ્રેઝરીની યિલ્ડમાં સુધારાતરફી વલણ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૮૭ ટકા વધીને બેરલદીઠ ૯૪.૭૮ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવા છતાં સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૧૭૩.૨૨ પૉઈન્ટનો અને ૫૧.૭૫ પૉઈન્ટનો સુધારો આવ્યો હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.