વેપાર

ડૉલર સામે રૂપિયામાં ચાર પૈસાનો સુધારો

મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ તથા બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ઘટી આવવાની સાથે ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં ચોખ્ખી લેવાલી રહેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાંકડી રેન્જમાં અથડાઈને અંતે ચાર પૈસાના સુધારા સાથે ૮૩.૯૭ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી સુધારો મર્યાદિત રહ્યો હોવાનું ટ્રેડરોએ જણાવ્યું હતું. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૪.૦૧ના બંધ સામે સાધારણ સુધારાના અન્ડરટોને ૮૩.૯૮ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૯૮ અને ઉપરમાં ૮૩.૯૭ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે ચાર પૈસાના સુધારા સાથે સત્રની ઉપરની ૮૩.૯૭ની સપાટીએ બંધ રહ્યો હતો. ડૉલર સામે રૂપિયો ૮૩.૮૫થી ૮૩.૯૦ની સાંકડી રેન્જમાં અથડાતો રહે તેવી શક્યતા આનંદ રાઠી શૅર્સ ઍન્ડ સ્ટોક બ્રોકર્સનાં કૉમૉડિટી અને કરન્સી વિભાગના હેડ મનીષ શર્માએ વ્યક્ત કરી હતી. આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૧૫ ટકા ઘટીને ૧૦૧.૨ આસપાસ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ઘટ્યા મથાળેથી ૦.૭૪ ટકા વધીને બેરલદીઠ ૭૩.૨૪ આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી તેમ જ ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૯૭૫.૪૬ કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હતો, પરંતુ આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૧૫૧.૪૮ પૉઈન્ટનો અને ૫૩.૬૦ પૉઈન્ટનો ઘટાડો આવ્યો હોવાથી તેમ જ આયાતકારોની ડૉલરમાં લેવાલી રહી હોવાથી રૂપિયામાં સુધારો સીમિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button