વેપાર

ડૉલર સામે રૂપિયામાં ચાર પૈસાનો સુધારો

મુંબઈ: આંતરરાષ્ટ્રીય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યું હોવા છતાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવઘટાડો અને ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૧૬૦૨.૧૬ કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાના નિર્દેશો સાથે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ચાર પૈસાના સુધારા સાથે ૮૩.૨૮ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હતો. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૩૨ના બંધ સામે સાધારણ સુધારા સાથે ૮૩.૩૦ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૩૩ અને ઉપરમાં ૮૩.૨૫ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે ચાર પૈસાના સુધારા સાથે ૮૩.૨૮ની સપાટીએ બંધ રહ્યો હતો.
આવતીકાલે અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની મિનિટ્સની તેમ જ ડિસેમ્બર મહિનાના જોબ ડેટાની જાહેરાત પૂર્વે આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ટ્રેડરોએ સાવચેતીનું વલણ અખત્યાર કર્યું હોવાથી રૂપિયો કોન્સોલિડેટ થયો હોવાનું એચડીએફસી સિક્યોરિટીઝનાં વિશ્ર્લેષક દિલીપ પરમારે જણાવતા ઉમેર્યું હતું કે આગામી ટૂંકા સમયગાળામાં ડૉલર સામે રૂપિયામાં ૮૩.૫૦ની સપાટી મહત્ત્વની પ્રતિકારક અને ૮૩.૨૦ની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી પુરવાર થાય તેમ જણાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button