જાણો સેબી તમારી માટે આ નવું નજરાણું લાવી છે તે શું છે.

SIP વિશે તો લગભગ આજકાલનો 16-17 વર્ષનો કિશોર કે કિશોરી પણ જાણતા હશે. મધ્યમવર્ગથી માંડી યુવાનોમાં સૌથી વધારે ફેવરિટ ઈન્વેસ્ટમેન્ટ સ્ટાઈલ હોય તો તે છે એસઆઈપી. પણ હવે તમે જો એસઆઈપી કરી કંટાળી ગયા હોય તો તમારી માટે એક નવો દરવાજો ખૂલી રહ્યો છે. ત્યારે રોકાણકારો માટે SEBIએ રોકાણની નવી રીતનો માર્ગ મોકળો કર્યો છે. આ રીતનું નામ છે સ્પેશિયલાઈઝ્ડ ઈન્વેસ્ટમેન્ટ ફંડ (SIF). સેબીએ ક્વાંટ મ્યુચ્યુઅલ ફંડને ભારતમાં પ્રથમ SIF લોન્ચ કરવાની મંજૂરી આપી દીધી છે. આ સાથે, ક્વાંટ મ્યુચ્યુઅલ ફંડ દેશની પ્રથમ કંપની બનશે જે આવું ફંડ રજૂ કરશે. આ નવું રોકાણ સાધન રોકાણકારોને વધુ સ્વતંત્રતા અને નવી તકો પૂરી પાડશે, પરંતુ તેમાં જોખમ પણ ઊંચું હશે.
ક્વાંટ મ્યુચ્યુઅલ ફંડે એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું કે, “અમને ભારતનું પ્રથમ SIF કેટેગરીમાં શોર્ટ ફંડ લોન્ચ કરવાની મંજૂરી મળી છે.” કંપની આ મહિનામાં એટલે કે ઓગસ્ટ 2025માં આ ફંડ લોન્ચ કરવાની યોજના ધરાવે છે. આ નવું ફંડ રોકાણકારો માટે નવો વિકલ્પ લઈને આવશે, જોકે SIP (સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન)ની લોકપ્રિયતા પર તેની અસર થવાની શક્યતા ઓછી છે.
SIF શું છે?
અત્યાર સુધી શેરબજારમાં મ્યુચ્યુઅલ ફંડ્સ અને પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસ (PMS) રોકાણના લોકપ્રિય માધ્યમો રહ્યા છે. નાના રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા રોકાણ કરે છે, જ્યારે મોટા રોકાણકારો PMSનો ઉપયોગ કરે છે. પરંતુ આ બંને વચ્ચે એવા રોકાણકારો છે, જેમની પાસે થોડું વધારે મૂડી હોય છે અને મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો કરતા વધુ જોખમ લેવાની ક્ષમતા હોય છે. આવા રોકાણકારો માટે સેબીએ SIFની શરૂઆત કરી છે. આ ફંડમાં રોકાણ વધુ ફોકસ્ડ હોય છે, પરંતુ જોખમ પણ વધારે હોય છે.
SIFના નિયમો અને લાભો
SIFમાં રોકાણ કરવા માટે ઓછામાં ઓછું 10 લાખ રૂપિયાનું રોકાણ જરૂરી છે. આ ફંડ ઓપન-એન્ડેડ, ક્લોઝ્ડ-એન્ડેડ અને ઈન્ટરવલ-એન્ડેડ ફોર્મેટમાં ઉપલબ્ધ હશે, જે રોકાણકારોને સમય મર્યાદા નક્કી કરવાની સ્વતંત્રતા આપે છે. મ્યુચ્યુઅલ ફંડ્સની સરખામણીમાં SIFમાં રોકાણકારોને વધુ નિયંત્રણ અને સ્વતંત્રતા મળે છે. આ ફંડ એવા રોકાણકારો માટે બનાવવામાં આવ્યા છે, જેઓ વધુ વિકલ્પો અને ઉચ્ચ વળતરની તકો શોધી રહ્યા હોય, પરંતુ તેઓએ જોખમનું પણ ધ્યાન રાખવું પડશે.
SIF રોકાણકારો માટે એક નવી તક લઈને આવે છે, જેઓ પોતાના રોકાણ પર વધુ નિયંત્રણ અને સુગમતા ઈચ્છે છે. આ ફંડ રોકાણકારોને વધુ ફોકસ્ડ અને વૈવિધ્યસભર રોકાણની તકો આપે છે. જોકે, ઊંચા જોખમને કારણે આ ફંડમાં રોકાણ કરતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરૂરી છે. SIF શેરબજારમાં નવો રંગ ઉમેરશે, પરંતુ તેની સફળતા રોકાણકારોની સમજણ અને બજારની સ્થિતિ પર નિર્ભર કરશે.
આ પણ વાંચો…Money management: તમે પૈસા માટે મહેનત કરો એના કરતા પૈસા તમારી માટે મહેનત કરે તો કેવું?