નિકાસકારોને મળતા લાભની સ્કીમ આરઓડીટીઈપી સ્કીમ માર્ચ, 2026 સુધી લંબાવાઈ

નવી દિલ્હીઃ ગત મંગળવારે સરકારે નિકાસકારોને રાજકીય લાભ આપતી સ્કીમ રેમિસન ઑફ ડ્યૂટીઝ ઍન્ડ ટેક્સ ફોર એક્સપોર્ટેડ પ્રોડક્ટ્સ (આરઓડીટીઈપી)ને વધુ છ મહિના સુધી લંબાવીને 31મી માર્ચ, 2026 સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે.
આરઓડીટીઈપી સ્કીમ અંતર્ગત નિકાસકારોને ઉત્પાદનથી વિતરણ દરમિયાન થયેલા ડ્યૂટી અને વેરાના ખર્ચ જે કેન્દ્ર, રાજ્ય સ્થાનિક સ્તરેથી પાછા ન મળ્યા હોય તે પાછા મળવાના લાભ આપવામાં આવે છે. નોંધનીય બાબત એ છે કે આ સ્કીમ જાન્યુઆરી, 2021માં શરૂ કરવામાં આવી હતી જે ગત 30મી સપ્ટેમ્બર સુધી અમલી રહેનાર હતી.
ડિરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડે ગત 30મી સપ્ટેમ્બરનાં રોજ એક નોટિફિકેશન જારી કરી જણાવ્યું હતુડ કે એડવાન્સ ઑથોરાઈઝેશન (એએ) ધારકો, એક્સપોર્ટ ઓરિયેન્ટેડ યુનિટ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોનના માન્યતાપ્રાપ્ત એકમોને પણ આગામી વર્ષનાં માર્ચ મહિના સુધી આ સ્કીમના લાભ મળશે. તેમ જ આ સ્કીમનાં સુધારિત દર તમામ નિકાસ થતી ચીજો પર અમલી બનશે અને રિફંડની ટકાવારી 0.3 ટકાથી 3.9 ટકા સુધીની હશે.
આ પણ વાંચો: ગુજરાતના નિકાસકારો પર ટેરિફનો ‘ખતરો’: કાપડ, રસાયણ અને રત્ન ઉદ્યોગોમાં ચિંતા
ફેડરેશન ઑફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશન (ફિઓ)નાં પ્રમુખ એસ સી રલ્હને સરકારના આ નિર્ણયને આવકારતા જણાવ્યું હતું કે હાલ નિકાસકારો અનિશ્ચિતતાના તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે ત્યારે સરકારનો આ નિર્ણય સમયસરનો છે.
નોંધનીય બાબત એ છે કે ગત ઑગસ્ટ મહિનામાં દેશની નિકાસ ઑગસ્ટ, 2024ની સરખામણીમાં 6.7 ટકા વધીને 35.1 અબજ ડૉલરની સપાટીએ રહી હતી, જ્યારે આયાત 10.12 ટકા ઘટીને 61.59 અબજ ડૉલરની સપાટીએ રહી હતી.