સ્મોલ ગ્રેડની ખાંડમાં ધીમો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર આજે સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડરોમાં સ્થાનિક તેમ જ દેશાવરોની માગને ટેકે વેપાર ક્વિન્ટલે રૂ.૧૦ના સુધારા સાથે રૂ. ૩૫૩૫થી ૩૫૭૫માં થયાના અહેવાલ હતા. આમ મથકો પરના પ્રોત્સાહક અહેવાલને ધ્યાનમાં લેતા સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં આજે સ્મોલ ગ્રેડની ખાંડમાં ઉપલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ૧૦નો સુધારો આવ્યો હતો અને મિડિયમ ગ્રેડની ખાંડમાં ઉપલા મથાળેથી ક્વિન્ટલે રૂ. એકનો સાધારણ ગુણવત્તાલક્ષી ઘટાડો જોવા મળ્યો હતો. તેમ જ આજે નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું. પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે સ્થાનિકમાં અંદાજે ૨૮થી ૨૯ ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ રહ્યો હતો, પરંતુ રિટેલ સ્તરની માગ જળવાઈ રહેતાં ઉપાડ લગભગ ૨૭થી ૨૮ ટ્રકનો રહ્યો હતો. જોકે, આજે મથકો પાછળ હાજરમાં સ્મોલ ગ્રેડની ખાંડના વેપાર ઉપલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ૧૦ના સુધારા સાથે રૂ. ૩૬૯૨થી ૩૭૯૨માં થયા હતા, જ્યારે મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર ઉપલા મથાળેથી ક્વિન્ટલે રૂ. એકના સાધારણ ગુણવત્તાલક્ષી ઘટાડા સાથે રૂ. ૩૭૭૬થી ૩૯૫૫માં થયા હતા. વધુમાં આજે નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગ જળવાઈ રહેતાં સ્મોલ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૩૬૩૦થી ૩૬૮૦માં અને મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૩૬૭૦થી ૩૭૬૦માં ગુણવત્તાનુસાર ટકેલા ધોરણે થયા હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.