RBIએ આ બે મોટી બેંક પર લગાવ્યો 3 કરોડનો દંડ, ગ્રાહકો પર શું થશે અસર?

નવી દિલ્હીઃ સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાને RBI તરફથી મોટો ઝટકો લાગ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) પર 2 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે. રિઝર્વ બેંકે કેનેરા બેંક અને સિટી યુનિયન બેંક પર પણ દંડ લગાવ્યો છે. કેનેરા બેંક પર 32.30 લાખ રૂપિયાનો અને સિટી યુનિયન બેંક પર 66 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. રિઝર્વ બેંકે સોમવારે જાહેર કરેલા સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે આ બેંકો પરના નિયમનકારી ધોરણોના ઉલ્લંઘનને કારણે આ ત્રણે બેંક સામે કાર્યવાહી કરવામાં આવી છે.
આરબીઆઈએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે નિયમનકારી અનુપાલનમાં ખામીઓ માટે દંડ લાદવામાં આવ્યો છે. તેને બેંક અને ગ્રાહકો વચ્ચેના વ્યવહાર અથવા કરાર સાથે કોઈ લેવાદેવા નથી, તેથી આરબીઆઇની આ કાર્યવાહીની ગ્રાહકો પર કોઇ અસર નહીં થાય.
આરબીઆઈએ જણાવ્યું છે કે SBI પર ડિપોઝિટર એજ્યુકેશન અવેરનેસ ફંડ સ્કીમ, 2014 સંબંધિત કેટલાક નિયમોના ઉલ્લંઘન બદલ રૂ. 2 કરોડનો દંડ લાદવામાં આવ્યો છે. આરબીઆઈએ કેટલીક સૂચનાઓનું પાલન ન કરવા બદલ કેનેરા બેંક પર 32.30 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે તો સિટી યુનિયન બેંક લિમિટેડ પર આવકની ઓળખ, સંપત્તિ વર્ગીકરણ અને લોન સંબંધિત જોગવાઈઓ, નોન-પરફોર્મિંગ લોન (એનપીએ) અને ગ્રાહક સંભાળ સંબંધિત જોગવાઈઓ સંબંધિત આરબીઆઈની કેટલીક સૂચનાઓનું પાલન ન કરવા બદલ રૂ. 66 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે