રવી વાવેતરમાં ગત સાલની સરખામણીમાં વધારાની શક્યતાઃ કૃષિ સચિવ…

નવી દિલ્હીઃ વર્તમાન રવી મોસમમાં મુખ્ય પાક ગણાતા ઘઉંની આગેવાની હેઠળ રવી વાવેતર વિસ્તાર ગત સાલના 655.88 લાખ હેક્ટરની સરખામણીમાં વધુ રહે તેવી શક્યતા કૃષિ સચિવ દેવેશ ચતુર્વેદીએ વ્યક્ત કરી છે. દેશમાં રવી વાવેતરમાં ઝડપથી પ્રગતિ થઈ રહી છે. આ વર્ષે એકંદરે વરસાદ સારો થયો હોવાથી અને અમુક વિસ્તારોમાં ખરીફ પાકની લણણી મોડી થઈ છે, પરંતુ અમને આશા છે કે આ વર્ષે દેશમાં રવી વાવેતર વિસ્તાર ગત સાલ કરતાં વધુ રહેશે,એમ તેમણે પત્રકાર વર્તુળોને જણાવ્યું હતું.
અધિકૃત આંકડાકીય માહિતી અનુસાર ગત 17મી નવેમ્બર સુધી ખેડૂતોએ મુખ્ય રવી પાક ગણાતા ઘઉંનું વાવેતર ગત સાલના સમાનગાળાના 56.55 લાખ હેક્ટર સામે 66.23 લાખ હેક્ટરમાં કર્યું છે. આ સિવાય કઠોળનું વાવેતર ગત સાલના સમાનગાળાના 48.93 લાખ હેક્ટર સામે 52.82 લાખ હેક્ટરમાં અને તેલીબિયાંનું વાવેતર ગત સાલના સમાનગાળાના 13.50 લાખ હેક્ટર સામે 15.3 લાખ હેક્ટરમાં કર્યું છે. આમ ગત 17મી નવેમ્બર સુધીનો કુલ રવી વાવેતર વિસ્તાર ગત સાલના સમાનગાળાના 188.73 લાખ હેક્ટર સામે વધીને 208.19 લાખ હેક્ટરની સપાટીએ રહ્યું હોવાનું યાદીમાં ઉમેર્યું હતું.



