અમેરિકામાં અપેક્ષાનુસાર ફુગાવામાં વૃદ્ધિ ધીમી પડતાં રેટકટના આશાવાદે સોનામાં મક્કમ અન્ડરટોન
કોમોડિટી -રમેશ ગોહિલ
વૈશ્ર્વિક બુલિયન માર્કેટમાં ગત સપ્તાહે સોનાના ભાવમાં બેતરફી વધઘટ જોવા મળી હતી, જેમાં ખાસ કરીને મધ્યસત્ર દરમિયાન ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કપાત વિલંબિત રાખે તેવી ધારણા હેઠળ સોનાના ભાવમાં નરમાઈનું વલણ રહ્યા બાદ અમેરિકાના મે મહિનાના ફુગાવાની જાહેરાત પૂર્વે ફરી ફેડરલ રિઝર્વ સપ્ટેમ્બરથી વ્યાજદરમાં કાપ મૂકે તેવા આશાવાદે સોનામાં સુધારો જોવા મળ્યો હતો. ગત સપ્તાહના અંતે શુક્રવારે જાહેર થયેલી આંકડાકીય માહિતી અનુસાર અમેરિકા ખાતે ગત એપ્રિલ મહિનામાં ફુગાવામાં અર્થાત્ પર્સનલ ક્ધઝમ્પશન એક્સપેન્ડિચર ઈન્ડેક્સમાં ૨.૭ ટકાની વૃદ્ધિ જોવા મળ્યા બાદ બજાર વર્તુળો અને અર્થશાસ્ત્રીઓની અપેક્ષાનુસાર મે મહિનામાં ફુગાવામાં વૃદ્ધિ ઘટીને ૨.૬ ટકાના સ્તરે રહી હતી અને આગામી સપ્ટેમ્બર મહિનાથી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કપાત મૂકવાની શરૂઆત કરે તેવા આશાવાદે ફુગાવાની જાહેરાત પશ્ર્ચાત્ ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર એક તબક્કે સોનાના ભાવ ઉછળીને ચાર સત્રની ઊંચી ઔંસદીઠ ૨૩૩૯ ડૉલરની સપાટી સુધી પહોંચ્યા હતા.
જોકે, ત્યાર બાદ અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં વધારો થવાથી ભાવમાં પીછેહઠ જોવા મળી હતી અને ભાવ આગલા બંધ સામે ૦.૧૨ ટકા જેટલા ઘટીને ૨૩૨૪ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. આમ એકંદરે જોઈએ તો સપ્તાહના અંતે ભાવમાં મક્કમ વલણ જળવાઈ રહ્યું હતું. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ગત શુક્રવારે અમેરિકી ૧૦ વર્ષીય ટ્રેઝરીની યિલ્ડ સાડા પાંચ બેસિસ પૉઈન્ટ વધીને ગત ૧૨ જૂન પછીની સૌથી ઊંચી ૪.૩૩૯ ટકાની સપાટીએ રહી હોવાથી સોનાના ભાવ દબાણ હેઠળ આવ્યા હતા. વધુમાં ફુગાવાની જાહેરાત બાદ ફેડરલ રિઝર્વનાં અમુક અધિકારીઓએ નિવેદન આપવામાં સાવચેતીનું વલણ અપનાવ્યું હતું. ફેડનાં પ્રમુખ થોમસ બાર્કિને વ્યાજદરમાં કપાત અંગે કોઈ અણસાર નહોતા આપ્યા, પણ જણાવ્યું હતું કે ફુગાવો ધીમો પડી રહ્યો છે તે દર્શાવે છે કે નાણાં નીતિ યોગ્ય કાર્ય કરી રહી છે, જ્યારે તેમના સાથી સાન ફ્રાન્સિસ્કોનાં મેરી ડેલેએ જણાવ્યું હતું કે નાણાં નીતિ કામ કરી રહી છે અને ફુગાવો ધીમો પડી રહ્યો છે તથા ફેડરલ રિઝર્વની લક્ષ્યાંકિ ફુગાવાની સપાટીએ વર્ષ ૨૦૨૫ના અંત આસપાસ જોવા મળે તેવી શક્યતા છે.
વધુમાં ટેક્નિકલ એનાલિસ્ટોના મતાનુસાર હાલ વૈશ્ર્વિક સોનાના ચાર્ટમાં હેડ ઍન્ડ સોલ્ડર પેટર્ન ઊભરી આવી છે જે દર્શાવે છે કે ભાવ નીચે જશે. હાલની વધઘટ જોતા ખરીદદારો કે વેચવાલ કોઈ નિયંત્રણમાં નથી, પરંતુ રિલેટિવ સ્ટ્રેન્થ ઈન્ડેક્સ (આરએસઆઈ) મંદીના નિર્દેશ આપે છે, એમ એક વિશ્ર્લેષકે જણાવતાં ઉમેર્યું હતું કેે જો વૈશ્ર્વિક સોનું ઔંસદીઠ ૨૩૦૦ ડૉલરની સપાટીની અંદર ઉતરે તો ત્રીજી મેની ૨૨૭૭ની સપાટી જોવા મળે અને જો આ સપાટીની અંદર ભાવ જાય તો ૨૨૨૨ ડૉલર સુધી ઘટી શકે છે અને જો વૈશ્ર્વિક સોનું પુન: ઔંસદીઠ ૨૩૫૦ ડૉલરની સપાટી અંકે કરે તો ભાવ વધીને ૨૩૮૭ ડૉલર સુધી વધે તેવી શક્યતા નકારી ન શકાય.
સ્થાનિક ઝવેરી બજારમાં પણ વિશ્ર્વ બજારને અનુસરતા સોનાના ભાવમાં બેતરફી વધઘટ જોવા મળી હતી. ગત સપ્તાહના આરંભે હાજરમાં ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત ૨૧મી જૂનના ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૨,૭૪૬ના બંધ સામે નરમાઈના અન્ડરટોને રૂ. ૭૧,૬૧૩ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં રૂ. ૭૧,૦૮૩ની સપાટી દાખવીને અંતે સપ્તાહની ઊંચી રૂ. ૭૧,૮૩૫ની સપાટીએ બંધ રહ્યા હતા અને સોનાના ભાવમાં સાપ્તાહિક ધોરણે ૧૦ ગ્રામદીઠ રૂ. ૯૧૧નો અથવા તો ૧.૨૫ ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો. આમ એકંદરે સપ્તાહ દરમિયાન સોનાના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હોવા છતાં વધુ ઘટાડાના આશાવાદે સ્ટોકિસ્ટો, રોકાણકારો અને જ્વેલરી ઉત્પાદકોની લેવાલી પાંખી રહી હતી. તેમ જ રિટેલ સ્તરની માગ પણ એકંદરે શુષ્ક જ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
એકંદરે જૂન મહિનાના અંતે ફેડરલનાં રેટકટના આશાવાદ ઉપરાંત સતત ત્રીજા ત્રિમાસિકગાળામાં વૈશ્ર્વિક સોનાના ભાવમાં ત્રિમાસિક ધોરણે સુધારો નોંધાયો છે. જોકે, બીજા ત્રિમાસિકગાળામાં સોનામાં સુધારો મુખ્યત્વે ચીનની કેન્દ્રવર્તી બૅન્કની લેવાલીને આભારી રહ્યો હોવાનું એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ ઍડ્વાઈઝર્સનાં વિશ્ર્લેષકે જણાવતાં ઉમેર્યું હતું કે હાલમાં સીએમઈ ફેડ વૉચ ટૂલ પર ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બર મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવી ૬૮ ટકા શક્યતા દર્શાવાઈ રહી છે. અમારા મતે આગામી સપ્તાહ દરમિયાન વૈશ્ર્વિક સોનાના ભાવ માટે ઔંસદીઠ ૨૩૨૦ ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી અને ૨૩૮૦ ડૉલરની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી પુરવાર થશે, જ્યારે સ્થાનિકમાં સોનાના ઓનલાઈન વાયદામાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૦,૨૦૦ની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી અને રૂ. ૭૨,૫૦૦ની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી પુરવાર થાય તેમ જણાય છે. જોકે, એવરબૅન્કનાં વૈશ્ર્વિક બજારનાં પ્રમુખે જણાવ્યું હતું કે જ્યાં સુધી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કપાત અંગેના કોઈ સ્પષ્ટ સંકેતો આપવામાં નહીં આવે ત્યાં સુધી સોનાના વૈશ્ર્વિક ભાવ હાલની રેન્જમાં જ અથડાતા જોવા મળે તેમ જણાય છે.