રેટકટનો આશાવાદ પ્રબળ બનતાં વૈશ્વિક સોનું બે સપ્તાહની ટોચ નજીક

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ ગઈકાલે અમેરિકાના જાહેર થયેલા આર્થિક ડેટાઓએ આગામી ડિસેમ્બર મહિનાની બેઠકમાં અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા વધુ પ્રબળ બનાવતા આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવ એક ટકા જેટલા ઉછળીને બે સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા, જ્યારે ચાંદીના ભાવમાં બે ટકાની તેજી જોવા મળી હતી.
આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 2705નો ચમકારો આવ્યો હતો, જ્યારે સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 958થી 962 વધી આવ્યા હતા, જેમાં શુદ્ધ સોનાના ભાવ ફરી રૂ. 1.26 લાખની સપાટી વટાવી ગયા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ખાસ કરીને 999 ટચ ચાંદીમાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની ખપપૂરતી માગને ટેકે વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 2705ના ચમકારા સાથે રૂ. 1,59,025ના મથાળે રહ્યા હતા.
આપણ વાચો: દિવાળી બાદ સોનાના ભાવ તૂટ્યા; આ કારણે થઇ રહ્યો છે ઘટાડો
વધુમાં આજે સોનામાં પણ વિશ્વ બજાર પાછળ તેજીનું વલણ રહ્યું હતું અને હાજરમાં વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 958 વધીને રૂ. 1,25,576ના મથાળે અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 962 વધીને રૂ. 1,26,081ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારોની લેવાલી પાંખી રહી હતી, જ્યારે જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આજે ફેડરલ રિઝર્વનાં વ્યાજદરમાં કપાતના આશાવાદ વચ્ચે આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ એક ટકા ઉછળીને બે સપ્તાહની ઊંચી આૈંસદીઠ 4172.18 ડૉલર આસપાસની સપાટીએ અને વાયદામાં ભાવ 0.7 ટકા વધીને 4168.70 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે બે ટકા ઉછળીને આૈંસદીઠ 52.43 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
બજાર વર્તુળોના રેટકટના આશાવાદે રોકાણકારોની સોના જેવી વ્યાજની ઊપજ ન આપતી અસ્ક્યામતોમાં લેવાલીને ટેકે તેજીનું વલણ જોવા મળ્યું હોવાનું યુબીએસના વિશ્લેષક ગિઓવન્ની સ્ટુનોવોએ જણાવતાં ઉમેર્યું હતું કે રેટકટની શક્યતાને ધ્યાનમાં લેતા આ વર્ષના અંત સુધીમાં સોનાના વૈશ્વિક ભાવ આૈંસદીઠ 4200 ડૉલર સુધી અને આગામી વર્ષે ભાવ વધીને 4500 ડૉલર સુધી પહોંચે તેવી શક્યતા છે.
આપણ વાચો: ગજબઃ સોનાના ભાવ આસમાને પણ એફઆઈઆરમાં જૂના ભાવનો જ ઉલ્લેખ, કારણ શું?
નોંધનીય બાબત એ છે કે ગત સપ્ટેમ્બર મહિનામાં અમેરિકા ખાતે રિટેલ વેચાણમાં બજારની અપેક્ષા કરતાં ઓછી વૃદ્ધિ થઈ હતી, જ્યારે પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સ અંદાજ મુજબનો રહ્યો હોવાના અહેવાલ હતા.
એકંદરે અત્યાર સુધીમાં જાહેર થયેલા અમેરિકાના આર્થિક ડેટાઓ ફેડરલ રિઝર્વ આગામી બેઠકમાં હળવી નાણાનીતિ અપનાવે તેવા સંકેતો આપી રહ્યા હોવાથી આજે સીએમઈ ફેડ વૉચ ટૂલ પર બજાર વર્તુળો આગામી ડિસેમ્બર મહિનામાં રેટકટની 83 ટકા શક્યતા જોઈ રહ્યા છે, જે ગત સપ્તાહે 30 ટકા હતી.
વધુમાં અમેરિકી ફેડરલ રિઝર્વના આગામી અધ્યક્ષ તરીકે વ્હાઈટ હાઉસના આર્થિક સલાહકાર કેવિન હેઝેટની નિયુક્તિ થાય તેવા અહેવાલો વહેતા થયા હોવાને કારણે પણ સોનાની તેજીને ટેકો મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.



