વેપાર

સોના-ચાંદીમાં સામસામા રાહ: સોનામાં રૂ. ૨૧નો મામૂલી ઘટાડો, ચાંદી રૂ. ૪૭ વધી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: ગઈકાલે જાહેર થયેલા અમેરિકાના જોબ ડેટા અપેક્ષા કરતાં નબળા આવતાં ફેડરલ રિઝર્વ તંગ નાણાનીતિનો અંત લાવે તેવી શક્યતા પ્રબળ થતાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવમાં ધીમો સુધારો આવ્યો હતો. આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ છતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં છ પૈસાનો સુધારો દર્શાવાઈ રહ્યો હોવાથી સોનાની આયાત પડતરમાં ઘટાડો થવાથી મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૧નો મામૂલી ઘટાડો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૪૭ વધી આવ્યા હતા. આમ આજે બન્ને કિંમતી ધાતુઓમાં સામસામા રાહ જોવા મળ્યા હતા.


બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટો, ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૪૭ના સાધારણ સુધારા સાથે રૂ. ૭૪,૪૩૦ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં મધ્યસત્ર દરમિયાન વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ છતાં ડૉલર સામે રૂપિયામાં સુધારાતરફી વલણ તેમ જ ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ શુષ્ક રહેતાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૧ ઘટીને ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૨,૦૧૭ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૨,૨૬૬ના મથાળે રહ્યા હતા.


આજે આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૨ ટકા વધીને અનુક્રમે ૨૦૨૩.૪૦ ડૉલર અને ૨૦૪૧.૨૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૬ ટકા વધીને ઔંસદીઠ ૨૪.૨૭ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.


અત્રે નોંધનીય બાબત એ છે કે ગઈકાલે જાહેર થયેલા જોબ ડેટામાં રોજગાર વૃદ્ધિ ઘટીને અઢી મહિનાની નીચી સપાટીએ પહોંચ્યાના અહેવાલને ધ્યાનમાં લેતાં વ્યાજદરમાં વધારાની રોજગાર પર માઠી અસર થઈ હોવાનું જણાતા ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ આવી હતી. જોકે, હવે રોકાણકારોની નજર આ સપ્તાહના અંતે નવેમ્બર મહિનાના જાહેર થનારા નોન ફાર્મ પૅ રૉલ ડેટા પર સ્થિર થઈ હોવાથી સોનામાં મોટી વધઘટ અટકી હોવાનું સિટી ઈન્ડેક્સનાં સિનિયર એનાલિસ્ટ મૅટ્ટ સિમ્પસને જણાવ્યું હતું.

રૉઈટર્સનાં ટૅક્નિકલ એનાલિસ્ટ વૉંગ તાઓના મતાનુસાર આગામી ટૂંકા સમયગાળા દરમિયાન વૈશ્ર્વિક સોનાના ભાવ ઔંસદીઠ ૨૦૦૯ ડૉલરની ટેકાની સપાટી સાથે ૨૦૩૩થી ૨૦૩૯ ડૉલર આસપાસની રેન્જમાં અથડાતા રહેશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button