બૅન્કોનો નફો વધવાની સંભાવના
મુંબઈ : એક તરફ ધિરાણ દરમાં વધારો અને બીજી બાજુ લોન્સ માટેની માગમાં નોંધપાત્ર વૃદ્ધિથી દેશની બેન્કોના વ્યાજ મારફતની આવકમાં વધારો જોવા મળવાની ધારણાં છે. નોન પરફોર્મિંગ એસેટસ મુદ્દે બેન્કોની સ્થિતિ હાલમાં સાનુકૂળ છે.
વર્તમાન નાણાં વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ વાર્ષિક ધોરણે ૧૮ ટકા જ્યારે નેટ પ્રોફિટમાં ૨૫.૩૦ ટકા વધારો જોવા મળવાની એક રિસર્ચ રિપોર્ટમાં ધારણાં મૂકવામાં આવી છે.
જાહેર ક્ષેત્રની બેન્કોની સરખામણીએ ખાનગી બેન્કોને નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમમાં વધુ વૃદ્ધિ જોવા મળશે. વ્યાજ એ બેન્કો માટે આવકનો મુખ્ય સ્રોત છે. જો કે થાપણના દરો વધવાથી વ્યાજના માર્જિન પર દબાણ આવી શકે છે, તેવો પણ મત વ્યકત કરાયો છે.
રિઝર્વ બેન્કના આંકડા પ્રમાણે, ૨૨ સપ્ટેમ્બર સુધીમાં લોન્સમાં વાર્ષિક ધોરણે ૧૫.૨૭ ટકા વધારો થઈને તે રૂપિયા ૧૪૫.૫૮ ટ્રિલિયન પર પહોંચી છે જ્યારે થાપણ ૧૨.૩૪ ટકા વધી રૂપિયા ૧૯૧.૩૩ ટ્રિલિયન રહી છે.
નોન પરફોર્મિંગ એસેટસ (એનપીએ) મુદ્દે બેન્કોની સ્થિતિ હાલમાં સાનુકૂળ છે અને નવી એનપીએની માત્રા ઘણી નીચી છે. એનપીએ સંદર્ભમાં બેન્કોએ ખાસ જોગવાઈ કરવી પડતી નથી જેને કારણે તેમનો નફો ઊંચો જોવા મળી રહ્યો છે.