
નવી દિલ્હીઃ પીએમ કુસુમ યોજના હેઠળના મુખ્ય બે ઘટકો અત્યાર સુધીમાં તેનાં 50 ટકા જેટલાં લક્ષ્યાંકો હાંસલ કરવામાં નિષ્ફળ ગયા હોવાથી સરકાર આ સ્કીમની મુદત ફરી લંબાવે તેવી શક્યતા છે.
નોંધનીય બાબત એ છે કે પ્રધાન મંત્રી કિસાન ઊર્જા સુરક્ષા અને ઉત્થાન મહાભિયાન હેઠળની પીએમ કુસુમ યોજના વર્ષ 2019માં અમલી બનાવવામાં આવી હતી. જેનો મુખ્ય ઉદ્દેશ વર્ષ 2022 સુધીમાં અમલીકર્તા એજન્સીઓના સર્વિસ ચાર્જ સાથે રૂ. 34,422 કરોડનાં ખર્ચ સાથે 30,800 મેગા વૉટ સોલાર ક્ષમતાનો ઉમેરો કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો.
આપણ વાંચો: કિસાન સૂર્યોદય યોજનાઃ ગુજરાતમાં 96 ટકા ગામને દિવસે વીજળી મળ્યાનો સરકારનો દાવો…
જોકે, સ્કીમ અમલી થવાની સાથે કોવિડ મહામારીને કારણે અમલ વિલંબિત થવાથી આ સ્કીમને માર્ચ, 2026 સુધી લંબાવવામાં આવી હતી અને લક્ષ્યાંક પણ વધારીને 34,800 મેગા વૉટનો રાખવામાં આવ્યો હતો.
સૂત્રોના જણાવ્યાનુસાર નિર્ધારિત લક્ષ્યાંક હાંસલ કરવા માટે આ સ્કીમને ફરી વખત લંબાવવામાં આવે તેવી શક્યતા છે અને જો તેમ શક્ય બનશે તો આ સ્કીમને બીજી વખત વિસ્તારિત કરવામાં આવશે. પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર સ્કીમના બન્ને ઘટકો પૈકી કોઈનો પણ 100 ટકા લક્ષ્યાંક હાંસલ નથી થયો.
આપણ વાંચો: વડા પ્રધાન મોદી આવતીકાલે ગુજરાતને ₹ 26,000 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપશે
સ્કીમના ઘટક બી જેની મુદત માર્ચ, 2026માં સમાપન થાય છે તેનો ગત નવમી સપ્ટેમ્બર સુધી 71 ટકા લક્ષ્યાંક હાંસલ થયો છે, ઘટક એનો માત્ર 6.5 ટકા અને ઘટક સી (આઈપીએસ)અને ઘટક સી (એફએલએસ)નો અનુક્રમે 16.5 ટકા અને 25.5 ટકા લક્ષ્યાંક હાંસલ થયો છે.
ન્યૂ ઍન્ડ રિન્યૂએબલ એનર્જી મંત્રાલયના જણાવ્યાનુસાર ઘટક એમાં નાના પાવર પ્લાન્ટમાં 10,000 મેગા વૉટ સોલાર ક્ષમતા સ્થાપવાનો, બી ઘટકમાં 14 લાખ ઓફ ગ્રીડ સ્ટેન્ડ એલોન સોલાર પાવર એગ્રિકલ્ચરલ પમ્પ સ્થાપવાનો અને સી ઘટકમાં 35 લાખ ગ્રીડ કનેક્ટેડ કૃષિ પમ્પના સોલારાઈઝેશનનો સમાવેશ થતો હતો.