સપ્ટેમ્બરમાં ડીલરોને પેસેન્જર વાહનોની રવાનગીમાં ચાર ટકાનો વધારો | મુંબઈ સમાચાર
વેપાર

સપ્ટેમ્બરમાં ડીલરોને પેસેન્જર વાહનોની રવાનગીમાં ચાર ટકાનો વધારો

નવી દિલ્હીઃ ગત સપ્ટેમ્બર મહિનામાં કંપનીઓ તરફથી ડીલરોને પેસેન્જર વાહનોની રવાનગીઓ સપ્ટેમ્બર, 2024નાં 3,56,752 યુનિટ સામે 4.4 ટકા વધીને 3,72,458 યુનિટની સપાટીએ રહી હોવાનું ઑટોમોબાઈલ ઉદ્યોગના સંગઠન સોસાયટી ઑફ ઈન્ડિયન ઑટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સે (સિઆમ)એ તાજેતરમાં સંકલિત કરેલી આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે.

સિઆમની યાદી અનુસાર સપ્ટેમ્બર મહિનામાં દ્વીચક્રી વાહનોની રવાનગી વર્ષાનુવર્ષ ધોરણે સાત ટકા વધીને 21,60,889 યુનિટ (20,25,993 યુનિટ) અને ત્રિચક્રી વાહનોની રવાનગી વર્ષાનુવર્ષ ધોરણે 5.5 ટકા વધીને 84,077 યુનિટ (79,683 યુનિટ)ની સપાટીએ રહી હતી.

આ પણ વાંચો: ઓટોમોબાઇલ માર્કેટમાં મંદી: ગુજરાતમાં પેસેન્જર વાહનોના વેચાણમાં ગાબડું…

એકંદરે સપ્ટેમ્બર મહિનામાં નવાં જીએસટીના દર 22મી સપ્ટેમ્બરથી અમલી થવાના હતા અને નીચા જીએસટીના દરનો સમયગાળો માત્ર નવ દિવસનો હોવા છતાં ગત સપ્ટેમ્બર મહિનામાં પેસેન્જર વાહનો, દ્વિચક્રી અને ત્રિચક્રી વાહનોનું વેચાણ સર્વોચ્ચ સપાટીએ રહ્યું હોવાનું સિઆમના પ્રમુખ શૈલેષ ચંદ્રાએ પત્રકાર વર્તુળોને જણાવતાં ઉમેર્યું હતું કે આગામી દિવસોમાં પણ વેચાણ વૃદ્ધિનું વલણ જળવાઈ રહે તેવી શક્યતા છે.

એકંદરે જીએસટી 2.0 અંતર્ગત ઑટોમોબાઈલ પરનાં જીએસટીના દરમાં ઘટાડાનો સરકારનો નિર્ણય સિમાચિહ્નરૂપ રહેતા ઑટો ઉદ્યોગ નવાં ઊંચા સ્તરે પહોંચશે અને અર્થતંત્ર ચેતનવંતુ બનશે, એમ ચંદ્રાએ ઉમેર્યું હતું.

આ પણ વાંચો: ઇલેક્ટ્રિક વાહનોને ટોલ મુક્તિ, પેસેન્જર ઇવી પર મોટી સબસિડી; રાજ્ય સરકારે નવી ઈવી નીતિને મંજૂરી આપી…

એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર ગત જુલાઈથી સપ્ટેમ્બર સુધીનાં ત્રિમાસિકગાળામાં પેસેન્જર વાહનોની ડીલરોનાં શૉ રૂમમાં રવાનગી ગત સાલના સમાનગાળાના 10,55,137 યુનિટ સામે 1.5 ટકા ઘટીને 10,39,200 યુનિટના સ્તરે રહી છે. આ સિવાય સમીક્ષા હેઠળના સમયગાળામાં દ્વિચક્રી વાહનોનું વેચાણ સાત ટકા વધીને 55,62,077 યુનિટના સ્તરે અને ત્રિચક્રી વાહનોનું વેચાણ 10 ટકા વધીને 2,29,239 યુનિટની સપાટીએ રહ્યું છે.

ભારતીય ઑટોમોબાઈલ ઉદ્યોગે વર્ષ 2025-26નાં બીજા છમાસિકગાળામાં પ્રવેશ ખુશાલી સાથે કરવાની સાથે તહેવારોની મોસમનો તેમ જ સાનુકૂળ આર્થિક સ્થિતિ અને જીએસટી 2.0ના સુધારા સાથે ગ્રાહકોની પોસાણક્ષમતામાં પણ વધારો કર્યો હોવાથી વેચાણ વૃદ્ધિ માટે પ્રેરક પુરવાર થશે, એમ સિઆમે યાદીમાં ઉમેર્યું હતું.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button