આ કંપની આપશે શેર દીઠ રૂ. 300નું ડિવિડન્ડ; જાણો રેકોર્ડ અને પેમેન્ટની તારીખો વિષે
મુંબઈ: જોકી બ્રાન્ડ નામ હેઠળ કપડાંનો વેપાર કરતી કંપની પેજ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે (Page Industries Ltd) મોટું ડિવિડન્ડ (Dividend) જાહેર કર્યું છે. કંપની એક શેર પર 300 રૂપિયાનું ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે. પેજ ઈન્ડસ્ટ્રીઝે આ ડિવિડન્ડ માટે રેકોર્ડ ડેટ પણ નક્કી કરી છે. આ અઠવાડિયે રેકોર્ડ ડેટ નક્કી કરવામાં આવી છે.
કંપનીએ 8 ઓગસ્ટ, 2024 ના રોજ નાણાકીય વર્ષ 2024-25 માટે પ્રથમ ડિવિડન્ડની જાહેરાત કરી હતી. કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે એક શેર પર 300 રૂપિયાનું ડિવિડન્ડ આપવામાં આવશે.
કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું કે, “અમે વધુમાં જાણ કરવા ઇચ્છીએ છીએ કે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે આજે (એટલે કે, 8 ઓગસ્ટ 2024) યોજાયેલી તેમની મીટિંગમાં નાણાકીય વર્ષ 2024-25માટેનું પહેલું વચગાળાનું ડિવિડન્ડ ઇક્વિટી શેર દીઠ રૂ. 300/-નું જાહેર કરવામાં આવ્યું છે.”
કંપનીએ આ ડિવિડન્ડ માટેની રેકોર્ડ તારીખ 17 ઓગસ્ટ 2024 નક્કી કરી છે. પેજ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા રોકાણકારોને 6 સપ્ટેમ્બર કે તે પહેલા ડિવિડન્ડ ચુકવવામાં આવશે.
પેજ ઈન્ડસ્ટ્રીઝનો ડિવિડન્ડ વિતરણનો લાંબો ઈતિહાસ રહ્યો છે. કંપનીએ પ્રથમ વખત 2007માં શેર દીઠ રૂ. 6નું ડિવિડન્ડ આપ્યું હતું. આ કેલેન્ડર વર્ષમાં એટલે કે 2024માં કંપનીએ બે વખત ડિવિડન્ડ આપ્યું છે. કંપનીએ 16 ફેબ્રુઆરીએ પ્રથમ વખત એક્સ-ડિવિડન્ડ ટ્રેડ કર્યું હતું, ત્યારે એક શેર પર 100 રૂપિયાનું ડિવિડન્ડ આપવામાં આવ્યું હતું. પેજ ઈન્ડસ્ટ્રીઝે 31 મેના રોજ બીજી વખત એક્સ-ડિવિડન્ડ ટ્રેડ કર્યું હતું, ત્યારબાદ કંપનીને એક શેર પર 120 રૂપિયાનું ડિવિડન્ડ આપવામાં આવ્યું હતું.
પેજ ઇન્ડસ્ટ્રીઝ જોકી ઇનરવેર અને સ્પીડો સ્વિમવેર બ્રાન્ડની માલિકી ધરાવે છે. કંપનીએ 30 જૂનના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૂ. 165.2 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળાની તુલનામાં 4.3 ટકાનો વધારો દર્શાવે છે. પેજ ઇન્ડસ્ટ્રીઝે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂ. 1,290.4 કરોડની આવક નોંધાવી હતી, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં રૂ. 1,234.3 કરોડ હતી.