ભાવ ગગડી જતા કાંદા ઉત્પાદકો ટેન્શનમાં…

નવી મુંબઈ: ભારે વરસાદને કારણે પાક ધોવાઈ ગયો હોવાથી તહેવારની મોસમમાં ડુંગળીના ખેડૂતો ચિંતામાં મુકાયા છે. બજારમાં પાકના ભાવમાં અપેક્ષિત વધારો ન થવાને કારણે ખેડૂતો પર આર્થિક દબાણ વધ્યું છે. સિવાય નિકાસ અંગેની અનિશ્ચિતતાને કારણે ડુંગળીના ઉનાળુ પાક સાચવીને બેઠેલા ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે. સાથે સાથે વિદેશમાં આયાત પરના પ્રતિબંધને કારણે પણ ડુંગળીના ભાવમાં ઘટાડો થયો છે.
દશેરા-દિવાળીની સીઝન દરમિયાન ખેડૂતો સંઘરેલી ડુંગળી વેચીને નફો રળી લેતા હોય છે. દિવાળીની શરૂઆતમાં સોલાપુર જિલ્લામાંથી મુંબઈની એપીએમસીમાં નવી સીઝનની ડુંગળી આવવા લાગે છે. જોકે, આ વર્ષે સોલાપુર જિલ્લામાં ભારે વરસાદને કારણે ડુંગળીના પાકને ખરાબ નુકસાન થયું છે.
તેથી મુંબઈ એપીએમસીના વેપારીઓનું કહેવું છે કે આ વર્ષની સીઝનમાં થોડો વિલંબ થયો છે. કૃષિ વિભાગના જણાવ્યા અનુસાર, ભારે વરસાદને કારણે નાસિક જિલ્લામાં લગભગ 40 હજાર હેક્ટર ડુંગળીના પાકને અસર થઈ છે. પરિણામે 80 ટકા ખરીફ અને મોડા ખરીફ પાકને નુકસાન થયું હોવાનો અંદાજ છે. પરિણામે નવેમ્બર સુધી બજારમાં ડુંગળીનું આગમન ઓછું રહેશે એવો અંદાજ વેપારીઓએ વ્યક્ત કર્યો છે.
આ વર્ષે આખી સીઝનમાં ડુંગળીના ભાવમાં વધારો ન થવાથી ગયા વર્ષે 35 થી 44 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાયેલી ડુંગળીનો ભાવ 9 થી 15 રૂપિયા પ્રતિ કિલો પર સ્થિર રહ્યો છે. હાલ જથ્થાબંધ બજારમાં વીઆઇપી ડુંગળીના આગમનમાં ઘટાડો થવાને કારણે સારી ગુણવત્તાની ડુંગળીની કિંમત 15 થી 17 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. ઓછી ગુણવત્તાવાળી ડુંગળી 2 થી 5 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે.