ઑક્ટોબરમાં ટેક્સ્ટાઈલ નિકાસમાં 12.9 ટકાનો ઘટાડોઃ રાહતલક્ષી પગલાંનો ઉદ્યોગનો અનુરોધ

નવી દિલ્હીઃ અમેરિકાએ ભારતથી થતી આયાત સામે લાદેલી 50 ટકા ટૅરિફને કારણે શિપમેન્ટમાં ઘટાડો થવાથી ગત ઑક્ટોબર મહિનામાં ટેક્સ્ટાઈલ નિકાસમાં 12.91 ટકાનો ઘટાડો થયો છે અને આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ વણસે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા ઉદ્યોગ સંગઠનોએ સરકારને રાહતલક્ષી પગલાં લેવાનો અનુરોધ કર્યો છે.
નોંધનીય બાબત એ છે કે ભારતીય ટેક્સ્ટાઈલ અને એપરલ માટે અમેરિકા બહુ મોટી બજાર છે. વર્ષ 2024-25માં અમેરિકા ખાતે ટેક્સ્ટાઈલ અને એપરલ ક્ષેત્રનું કદ 179 અબજ ડૉલરનું હતું જેમાં સ્થાનિક બજારનો હિસ્સો 142 અબજ ડૉલરનો અને 37 અબજ ડૉલરનો હિસ્સો નિકાસનો રહ્યો હતો. ટેક્સ્ટાઈલ અને એપરલની નિકાસ પર થયેલી માઠી અસર દૂર કરવા અથવા તો હળવી કરવા માટે ઔદ્યોગિક સંગઠનોએ સરકારને રાહતનાં વિવિધ પગલાંઓ લેવા માટે અનુરોધ કર્યો છે.
રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ ગત 14મી નવેમ્બરનાં રોજ જાહેર કરેલા ટ્રેડ રિલિફ પગલાં માટેના યોગ્યતપ્રાપ્ત ક્ષેત્રની યાદીમાં ટેક્સ્ટાઈલ ક્ષેત્રનો સમાવેશ કરવા કોન્ફેડરેશન ઑફ ઈન્ડિયન ટેક્સ્ટાઈલ ઈન્ડસ્ટ્રી (સીઆઈટીઆઈઈ)એ રિઝર્વ બૅન્કને અનુરોધ કર્યો છે. વધુમાં એપરલ એક્સ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલ (એપેક)એ ઈન્ટરેસ્ટ ઈક્વિલાઈઝેશન સ્કીમ અને રિબેટ ઑફ સ્ટેટ ઍન્ડ સેન્ટ્રલ ટેક્સિસ ઍન્ડ લેવીઝ (આરઓએસસીટીએલ)ને ઓછામાં ઓછી પાંચ વર્ષ સુધી લંબાવવા, લાંબા સમયગાળાની નીતિ સુનિશ્ચિત કરવા અને ઊંચા ટૅરિફના દર સામે નિકાસકારોને મદદરૂપ થવા વેપાર મેળા અને બાયર્સ-સેલર્સ મીટ થકી બજાર વિકેન્દ્રિત કરવા માટે માર્કેટ ડાઈવર્સિફિકેશન ફંડ સ્થાપવાની માગણી કરી છે.
આ પણ વાંચો: સ્થાનિકમાં હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટની માગ વધારવા સરકારની સ્વદેશી ઝુંબેશ
વધુમાં કાઉન્સિલે તમામ ટેક્સ્ટાઈલ અને ગાર્મેન્ટ મશીનરીની ડ્યૂટીમુક્ત આયાતની માગણી કરી છે, જેમાં ટકાઉ અને ગ્રીન મેન્યુફેક્ચરિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને ઝડપી ટેક્નોલૉજી અપગે્રડેશન સહિતના અન્ય પગલાંનો પણ સમાવેશ થાય છે.
એકંદરે ગત ઑક્ટોબર મહિનાની નિકાસમાં જોવા મળેલો ઘટાડો અપેક્ષિત હતો કેમ કે ભારતની કુલ ટેક્સ્ટાઈલ અને એપરલની નિકાસમાં અમેરિકાનો હિસ્સો 30 ટકા જેટલો બહોળો છે. પાઈપલાઈન હેઠળનો સ્ટોક હજુ શિપમેન્ટ થવાનો બાકી છે, પરંતુ ગત ઑગસ્ટ પછી નવા ઓર્ડરો અટકી ગયા હોવાથી અમારા મતે નિકાસમાં ઘટાડો આગળ ધપતાં નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં પણ નિકાસ 15થી 20 ટકા ઘટશે, એમ સીઆઈટીઆઈનાં ભૂતપૂર્વ ચેરમેન સંજય કે જૈને પીટીઆઈને જણાવ્યું હતું. જોકે, ભારત-અમેરિકા વચ્ચે દ્વીપક્ષીય કરાર થયા બાદ બેથી ત્રણ મહિના પછી જ નિકાસમાં સુધારો જોવા મળે તેવી શક્યતા હોવાનું તેમણે ઉમેર્યું હતું.
ઉદ્યોગ જ્યારે સ્થિતિસ્થાપકતા દાખવી રહ્યું છે ત્યારે શિપમેન્ટમાં જોવા મળેલો તાજેતરનો ઘટાડો આપણા નિકાસકારો કેવા પડકારજનક વાતાવરણનો સામનો કરી રહ્યા છે તે દર્શાવે છે. અમેરિકાના ઊંચા ટૅરિફને કારણે અમેરિકા અને યુરોપિયન બજારોનાં રિટેલ ઓર્ડરમાં ઘટાડો થવાથી ભારતીય પુરવઠાકારોએ ગ્રાહકોને જાળવી રાખવા માટે ભારે માત્રામાં ડિસ્કાઉન્ટ ઓફર કરવાની ફરજ પડી રહી હોવાનું એપેકનાં સેક્રેટરી જનરલ મિથિલેશ્વર ઠાકુરે જણાવ્યું હતું.
પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર ગત ઑક્ટોબર મહિનામાં ભારતની ટેક્સ્ટાઈલ નિકાસમાં ઑક્ટોબર,2024ની સરખામણીમાં 12.92 ટકાનો અને એપરલની નિકાસમાં 12.88 ટકાનો ઘટાડો થયો હતો, જ્યારે ટેક્સ્ટાઈલ અને એપરલ બન્નેની નિકાસમાં 12.91 ટકાનો ઘટાડો નોંધાયો છે. એકંદરે નિકાસમાં ઘટાડો થવાની સાથે સ્પિનિંગ, વિવિંગ અને પ્રોસિસિંગ એકમો પણ દબાણ હેઠળ આવ્યા હોવાથી તેનો પણ રાહત પગલાં હેઠળના ક્ષેત્રોની યાદીમાં સમાવેશ કરીને લાભ આપવો જોઈએ જેથી સમગ્ર ભારતનાં ટેક્સ્ટાઈલ અને એપરલ ક્ષેત્રની વૃદ્ધિ અને વિકાસ થાય, એમ સીઆઈટીઆઈના ચેરમેન અશ્વિનચંદ્રને જણાવ્યું હતું.



