ખાંડના અતિરિક્ત ઉત્પાદનને ધ્યાનમાં લેતા કામકાજમાં વૈવિધ્યતા લાવવા ગડકરીનો અનુરોધ

નવી દિલ્હીઃ દેશમાં ખાંડના અતિરિક્ત ઉત્પાદનને ધ્યાનમાં લેતા કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ કામકાજમાં વૈવિધ્યતા લાવવા અને ઈથેનોલ -ડીઝલ ભેળવણીમાં અને ગ્રીન હાઈડ્રોજનનાં ઉત્પાદનમાં સંશોધનો કરવા માટે અનુરોધ કર્યો હતો.
અત્રે ઈન્ડિયન સુગર મિલ્સ એસોસિયેશન દ્વારા આયોજિત `ઈન્ડિયન સુગર ઍન્ડ બાયો એનર્જી કોન્ફ્રન્સ-2025’ને સંબોધતા ગડકરીએ જણાવ્યું હતું કે ઉદ્યોગે ખાંડ સંલગ્નિત ઉત્પાદનો તરફ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ભારતમાં ખાંડનું ઉત્પાદન આવશ્યકતા કરતાં વધુ થાય છે અને જો બ્રાઝિલનું ઉત્પાદન વધશે તો ભારતમાં ખાંડનું અતિરિક્ત ઉત્પાદન સમસ્યા સર્જી શકે છે, એમ તેમણે ઉમેર્યું હતું.
વધુમાં તેમણે નોંધ્યું હતું કે હાલમાં ખાંડનો ઉત્પાદન ખર્ચ બજારભાવની સમકક્ષ જ છે. હવે ખાંડના ઉત્પાદનમાં ઘટાડાનો કોઈ વિકલ્પ નથી અને આગામી દિવસોમાં ખાંડનું અતિરિક્ત ઉત્પાદન સમસ્યા સર્જશે. વધુમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે ખાતાના પ્રધાને જણાવ્યું હતું કે ભારત ફોસિલ ફ્યુઅલ અથવા તો કોલસા જેવાં અશ્મિભૂત ઈંધણ પાછળ રૂ. બાવીસ લાખ કરોડ ખર્ચે છે અને તેને કારણે આપણને પ્રદૂષણની સમસ્યાનો સામનો કરવો પડે છે. જો ભારતે આત્મનિર્ભર થવું હોય તો કોલસાની આયાત ઘટાડવી જોઈએ અને બાયો સીએનજીના ઉત્પાદનમાં વધારવું અને ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ કોલસાનો વિકલ્પ હોવાનું તેમણે જણાવ્યું હતું.
હવે ખેડૂતો માત્ર અન્નદાતા કે ખાદ્ય ઉત્પાદકો તરીકે નથી ઓળખાતા, પરંતુ મકાઈમાંથી ઈથેનોલનું ઉત્પાદન શરૂ થતાં તેઓ ઊર્જાદાતા અથવા તો ઊર્જાઉત્પાદકો તરીકે પણ ઓળખાઈ રહ્યા છે. અગાઉ મકાઈના ભાવ જે ક્વિન્ટલદીઠ રૂ. 1200 હતા તે હવે વધીને રૂ. 2800 થઈ ગયા છે. નોંધનીય બાબત એ છે કે ઈથેનોલનું ઉત્પાદન ટૂકડી ચોખામાંથી તેમ જ શેરડીમાંથી પણ થઈ શકે છે.
વધુમાં ગડકરીએ જણાવ્યું હતું કે આગામી પાંચ વર્ષમાં ભારતને ઑટોમોબાઈલ ઉદ્યોગનું હબ બનાવવાની મહેચ્છા છે. પાંચ વર્ષમાં ભારતીય ઑટોમોબાઈલ ઉદ્યોગને વિશ્વના પ્રથમ ક્રમાંકમાં મૂકવો છે. મેં જ્યારે ટ્રાન્સપોર્ટ પ્રધાન તરીકેનો હોદ્દો સંભાળ્યો ત્યારે ઑટોમોબાઈલ ઉદ્યોગનુ કદ રૂ. 14 લાખ કરોડનું હતું. જે હાલમાં રૂ. 22 લાખ કરોડની સપાટીએ છે. હાલમાં અમેરિકાના ઑટોમોબાઈલ ઉદ્યોગનું કદ રૂ. 78 લાખ કરોડનું, ચાઈનાનું રૂ. 47 લાખ કરોડ અને ભારતનું રૂ. 22 લાખ કરોડનું છે.