દાયકા જૂની અરાજકતાનો અંત લાવવા ખાદ્યતેલની અનુમાનિત ટૅરિફ નીતિની આવશ્યકતાઃ અભ્યાસ

નવી દિલ્હીઃ ખાદ્યતેલના વૈશ્વિક અગ્રણી આયાતકાર દેશ ભારતે બજારની દાયકાઓ જૂની અરાજકતા જે ભાવમાં અસ્થિરતા લાવવાની સાથે રોકાણ પર પણ માઠી અસર પાડે છે તે દૂર કરવા માટે લાંબાગાળા માટેની પારદર્શક નીતિ અને ખાદ્યતેલની ટૅરિફનું માળખુ ઘડવું જોઈએ એમ એક અભ્યાસમાં જણાવાયું છે.
નોંધનીય બાબત છે કે સ્થાનિકમાં ખાદ્યતેલની અપેક્ષિત માગને સંતોષવા માટે દેશમાં અંદાજે 60થી 65 ટકા તેલની આયાત કરવી પડે છે અને વર્ષ 2015થી અત્યાર સુધીમાં અંદાજે 25 કરતાં વધુ વખત ટૅરિફમાં ફેરફારો કરવામાં આવ્યા હોવાથી આંતરરાષ્ટ્રીય પુરવઠાકારોથી લઈને ગ્રાહકોમાં પણ અનિશ્ચિતતામાં વધારો કરે છે.
આપણ વાંચો: ખાદ્યતેલમાં સાંકડી વધઘટે ટકેલું વલણ સરકાર ક્રૂડ અને રિફાઈન્ડ તેલ પરની આયાત જકાત વધારે તેવી શક્યતા
્`ટૅરિફ વૉલેટિલિટી ઍન્ડ સ્ટેક હોલ્ડર ડાયનામિક્સ ઈન ઈન્ડિયાઝ એડિબલ ઑઈલ સેક્ટર’ રિસર્ચ સેન્ટર ફોર ઈકોનોમિક સ્ટડીઝ ઍન્ડ પ્લાનિંગ, જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી, વેક પૉલિસી ઍડ્વાઈઝરી ઍન્ડ રિસર્ચ તથા એસોચેમ દ્વારા સંયુક્તપણે કરવામાં આવ્યું હતું. દેશમાં થતી કુલ ખાદ્યતેલની આયાતમાં 60 ટકા હિસ્સો પામતેલનો હોવાથી અભ્યાસમાં ખાસ કરીને પામતેલ માટે અનુમાનિત (અનુમાન કરી શકાય તેવી) ટૅરિફ, બજારની ડેટા સિસ્ટમ મજબૂત કરવા અને નીતિના ઘડતર પહેલા હિસ્સેધારકોનાં સંસ્થાકીયકરણની ભલામણ કરવામાં આવી છે.
વેકના સ્થાપક અને એક્ઝિક્યુટીવ ચેરમેન ટીએસ વિશ્વનાથે અભ્યાસની રજૂઆત કરતાં જણાવ્યું હતું કે ભારતીય ખાદ્યતેલ ઉદ્યોગ ક્ષેત્રમાં ટૅરિફ નીતિ એક પ્રતિક્રિયાશીલ સાધન જેવી છે તેમાંથી વ્યૂહાત્મક સાધનમાં વિકસિત થવી જોઈએ. એકંદરે નેશનલ મિશન ઓન એડિબલ ઑઈલ્સ-ઑઈલ પામ(એનએમઈઓ-ઓપી) હેઠળ આત્મનિર્ભરતા હાંસલ કરવા માટે ટૅરિફની અસરની આકારણી માટે આ રિસર્ચ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ફલિત થયું હતું કે છાશવારે ટૅરિફમાં થતા ફેરફારોને કારણે આયાતની યોજનાઓ જટીલ બને છે અને રિફાઈનરો તથા ટ્રેડરોના સોદાકીય ખર્ચમાં વધારો થાય છે.
વધુમાં ડ્યૂટીમાં વધારાથી તાત્કાલિક ધોરણે રિટેલ ભાવમાં ઉછાળો આવે છે, જ્યારે ઘટાડો કરવામાં આવે ત્યારે ગ્રાહકોને તાત્કાલિક રાહત નથી મળતી અથવા તો વિલંબથી રાહત મળતી હોવાનું અહેવાલમાં ઉમેર્યું હતું.
વધુમાં ક્રૂડ અને રિફાઈન્ડ તેલની ડ્યૂટીના તફાવતમાં સ્થિરતા ન હોવાને કારણે રિફાઈનરો રિફાઈનિંગ માર્જિનમાં અનિશ્ચિતતાનો સામનો કરતા હોય છે, પરિણામે એકમની ક્ષમતાના વપરાશ પર માઠી અસર પડે છે. ઈનપૂટ ખર્ચમાં ચંચળતા વધે છે અને લાંબાગાળાના ભાવ અંગેનાં વ્યૂહ પર પણ તેની અસર થતી હોય છે.
આપણ વાંચો: ખાદ્યતેલમાં નિરસ વેપારે ટકેલું વલણ
આ સિવાય આંતરરાષ્ટ્રીય પુરવઠાકારો પણ માગનો ચોક્કસ અંદાજ મૂકી નથી શકતા તેમ જ પુરવઠા અંગે પણ અનિશ્ચિતતાનો સામનો કરતા હોય છે. ભારતમાં તમામ ખાદ્યતેલોની આયાતમાં પામતેલ મુખ્ય સ્થાન ધરાવે છે, આથી દેશને ઈન્ડોનેશિયા તથા મલયેશિયા તરફની બાહ્ય નીતિનાં જોખમોનો પણ સામનો કરવો પડે છે જેમાં નિકાસ પ્રતિબંધ, બાયોફ્યુઅલ માટેના વિકેન્દ્રિકરણ અને ભૂરાજકીય વિક્ષેપોનો પણ સમાવેશ થતો હોવાનું અહેવાલમાં ઉમેર્યું હતું.
વધુમાં અભ્યાસમાં એવી પણ ચેતવણી આપવામાં આવી છે કે વૈવિધ્યકરણ વિના ભારત વૈશ્વિક આંચકાઓ, ચલણની વધઘટ અને પુરવઠામાં થતાં વિક્ષેપોનો પણ ભોગ બને છે. સંશોધનમાં પ્રોત્સાહક નીતિ અને પ્રારંભિક ચેતવણી પ્રણાલી માટે આગાહી સાધનોનો ઉપયોગ કરીને વૈશ્વિક ભાવ, આયાતના વૉલ્યૂમ અને છૂટક વલણો પર ધ્યાન રાખવા માટે એક સંકલિત સ્તરનું ડેટા પોર્ટલ વિકસાવવાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો છે.