નવરાત્રીમાં પેસેન્જર વાહનોનાનું રિટેલ વેચાણ 35 ટકા વધતાં સપ્ટેમ્બરમાં છ ટકાની વૃદ્ધિ | મુંબઈ સમાચાર
વેપાર

નવરાત્રીમાં પેસેન્જર વાહનોનાનું રિટેલ વેચાણ 35 ટકા વધતાં સપ્ટેમ્બરમાં છ ટકાની વૃદ્ધિ

નવી દિલ્હીઃ ગત નવરાત્રીનાં નવ દિવસ દરમિયાન દેશમાં પેસેન્જર વાહનોના રિટેલ વેચાણમાં ગત સાલના સમાનગાળાની સરખામણીમાં 35 ટકાનો વધારો જોવા મળ્યો હોવાથી એકંદરે સપ્ટેમ્બર મહિનાના રિટેલ વેચાણમાં છ ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. જોકે, ગત બાવીસમી સપ્ટેમ્બરથી જીએસટીનાં નવા દર અમલી થવાના હોવાથી અગાઉનાં 21 દિવસ વેચાણ સુસ્ત જ રહ્યું હોવાનું રિટેલ સંગઠન ફેડરેશન ઑફ ઑટોમોબાઈલ ડીલર્સ એસોસિયેશન (ફાડા)એ એક યાદીમાં જણાવ્યું છે.

એકંદરે નવરાત્રીના સપરમાં દહાડાઓમાં પેસેન્જર વાહનોનું વેચાણ ગત સાલની નવરાત્રીના સમયગાળાના 1,61,443 યુનિટ સામે વધીને 2,17,744 યુનિટની સપાટીએ રહ્યું હતું, જ્યારે સપ્ટેમ્બર મહિનાનું કુલ વેચાણ સપ્ટેમ્બર, 2024નાં 2,82,945 યુનિટ સામે છ ટકાની વૃદ્ધિ સાથે 2,99,369 યુનિટના સ્તરે રહ્યું હતું. વાસ્તવમાં જીએસટીના સુધારિત દરનો અમલ બાવીસમી સપ્ટેમ્બરથી થવાનો હોવાથી ભાવઘટાડાના આશાવાદે ગ્રાહકોએ ખરીદી મોકૂફ રાખી હતી.

આપણ વાંચો: ઓટોમોબાઇલ માર્કેટમાં મંદી: ગુજરાતમાં પેસેન્જર વાહનોના વેચાણમાં ગાબડું…

વાસ્તવમાં ગત સપ્ટેમ્બર મહિનો ભારતીય ઑટોમોબાઈલના રિટેલ ઉદ્યોગ માટે વિશિષ્ટ રહ્યો હતો. જીએસટી 2.0 સુધારાના અમલની રાહમાં મહિનાના પહેલા ત્રણ સપ્તાહ દરમિયાન માગમાં સન્નાટો રહ્યા બાદ નવરાત્રીના આરંભની સાથે જીએસટીનાં નીચા દર અમલી થતાં લગભગ તમામ શ્રેણીના વાહનોની માગમાં સંચાર થયો હોવાનું ફાડાના ઉપ પ્રમુખ સાઈ ગિરધરે એક યાદીમાં જણાવ્યું હતું.

ગત સપ્ટેમ્બર મહિનામાં માત્ર ત્રિચક્રી વાહનો અને બાંધકામ માટેના ઈક્વિપમેન્ટને બાદ કરતાં તમામ શ્રેણીના વાહોનાના વેચાણમાં પાંચ ટકા વૃદ્ધિ જોવા મળી છે. વાસ્તવમાં નવરાત્રીના સપરમાં દહાડાઓ અને જીએસટીનાં દરમાં ઘટાડ થવાથી ડીલરોના શૉરૂમમાં ગ્રાહકોની આવનજાવન વધુ રહેવાની સાથે નવાં બુકિંગોમાં પણ વધારો થયો હોવાનું યાદીમાં ઉમેર્યું હતું.

આપણ વાંચો: ઇલેક્ટ્રિક વાહનોને ટોલ મુક્તિ, પેસેન્જર ઇવી પર મોટી સબસિડી; રાજ્ય સરકારે નવી ઈવી નીતિને મંજૂરી આપી…

એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્ટેમ્બર મહિનામાં દ્વીચક્રી વાહનોનું વેચાણ વર્ષાનુવર્ષ ધોરણે સાત ટકા વધીને 12,87,735 યુનિટ (12,08,996 યુનિટ)ના સ્તરે રહ્યું હતું.

તેમાંથી નવરાત્રી દરમિયાન વેચાણ 36 ટકા વધીને 8,35,364 યુનિટ (6,14,460 યુનિટ) થયું હતું, જ્યારે ત્રિચક્રી વાહનોનું સપ્ટેમ્બરમાં વેચાણ સાત ટકા ઘટીને 98,866 યુનિટ (1,06,534 યુનિટ)નાં સ્તરે રહ્યું હતું. જોકે, નવરાત્રી દરમિયાન વેચાણ 25 ટકા વધીને 46,204 યુનિટ (37,097 યુનિટ)ની સપાટીએ રહ્યું હતું.

વધુમાં ગત સપ્ટેમ્બર મહિનામાં વેપારી વાહનોનું વેચાણ વર્ષાનુવર્ષ ધોરણે ત્રણ ટકા વધીને 72,124 યુનિટ (70,254 યુનિટ)ની સપાટીએ રહ્યું હતું જેમાં નવરાત્રી દરમિયાન વેચાણ 15 ટકા વધીને 33,856 યુનિટના સ્તરે રહ્યું હતું.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button