Mumbai Gold Rate: સોનાના ભાવમાં સામાન્ય ઘટાડા વચ્ચે જાણો આજના લેટેસ્ટ ભાવ? | મુંબઈ સમાચાર
વેપાર

Mumbai Gold Rate: સોનાના ભાવમાં સામાન્ય ઘટાડા વચ્ચે જાણો આજના લેટેસ્ટ ભાવ?

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: આંતરરાષ્ટ્રીય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં બે સપ્તાહની ઊંચી સપાટીએથી જોવા મળેલી પીછેહઠ, યુક્રેન-રશિયા વચ્ચે શાંતિ વિલંબિત થવાની શક્યતા અને ટ્રેડ વૉરની ચિંતા વચ્ચે આજે લંડન ખાતે સોના અને ચાંદીમાં ઘટયા મથાળેથી સુધારો આવ્યાના નિર્દેશો હતા.

જોકે, આજે સ્થાનિક ઝવેરી બજારમાં સપ્તાહના આરંભે મધ્યસત્ર દરમિયાન વિશ્વ બજારથી વિપરીત સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૫થી ૩૬નો સાધારણ ઘસરકો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. ૧૭૩નો સુધારો આવ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થનિકમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને ૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ રહ્યો હોવા છતાં ઔદ્યોગિક વપરાશકારો તથા જવેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૭૩ના સુધારા સાથે રૂ. ૯૩,૬૫૩ના મથાળે રહ્યા હતા.

આપણ વાંચો: સરકારે સોના અને ચાંદીના ફાઈન્િંડગ્સ અને સિક્કાઓ પરની આયાત જકાત વધારીને ૧૫ ટકા કરી

જોકે, સોનામાં ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારો ઉપરાંત જવેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ પણ શુષ્ક રહેતાં ૯૯૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૫ના ઘટાડા સાથે રૂ. ૮૪,૬૮૦ના મથાળે અને ૯૯૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૩૬ ઘટીને રૂ. ૮૫,૦૨૦ના મથાળે રહ્યા હતા.

આજે લંડન ખાતે સત્રના આરંભે ખાસ કરીને ડૉલર ઈન્ડેક્સ બે સપ્તાહની ઊંચી સપાટીએથી ૦.૪ ટકાના ઘટાડા સાથે ક્વૉટ થઈ રહ્યો હોવાના નિર્દેશ, રશિયા-યુકેન વચ્ચે શાંતિમંત્રણા વિલંબિત થવાની શક્યતા તેમ જ અમેરિકાની ટેરિફની ચિંતા વચ્ચે સોનામાં સલામતી માટેની માગને ટેકે હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે ૦.૩ ટકા વધીને આઁસદીઠ ૨૮૬૬.૧૯ ડૉલર, વાયદામાં ભાવ એક ટકો વધીને ૨૮૭૫.૮૦ ડૉલર અને ચાંદીના ભાવ 0.3 ટકા વધીને ઔંસદીઠ ૩૧.૨૪ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

આપણ વાંચો: ભગવાન રામલલાની ચરણ પાદુકા આટલા સોના અને ચાંદીમાંથી બનેલી છે

ગત શુક્રવારે અમેરિકી પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી વચ્ચેની મંત્રણામાં થયેલી ખટપટને કારણે રાજકીય-ભૌગોલિક તણાવ વધવાની ભીતિ અને ટ્રેડ વૉરની ચિંતાને કારણે સોનાના સુધારાને ટેકો મળ્યો હોવાનું ઓએએનડીએના એશિયા પેસિફિક વિભાગનાં વિશ્લેષક કેલ્વિન વૉન્ગે જણાવ્યું હતું.

વધુમાં અમેરિકી વાણિજ્ય સચિવ હાવર્ડ લ્યુટનિકે ગઈકાલે જણાવ્યું હતું કે કેનેડા અને મેક્સિકોથી થતી આયાત સામે ચોથી માર્ચથી ટેરિફ અમલી બનશે, પરંતુ ૨૫ ટકા ટેરિફના મુદ્દે ટ્રમ્પ તટસ્થ રહે છે કે કેમ તે જોવું રહ્યું. જોકે, મંગળવારથી ચીનથી થતી આયાત સામે ૧૦ ટકા અતિરિક્ત જકાત અમલી બનશે, એમ તેમણે ઉમેર્યું હતું.

વધુમાં ગત શુક્રવારે જાહેર થયેલા અમેરિકાનાં જાન્યુઆરી મહિનાના કન્ઝ્યુમર સ્પેન્ડિંગ ડેટામાં ઘટાડો થયો હોવા છતાં એકંદરે ફુગાવામાં વધારો થયો હોવાથી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કપાતનો નિર્ણય મુલતવી રાખે તેવી શક્યતા સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે

Back to top button