Mumbai Bullion Market: ચાંદીના ભાવમાં ઘટાડા વચ્ચે પણ આજના લેટેસ્ટ ભાવ જાણો?
સ્થાનિક સોનામાં રૂ. 326ની તેજી, ચાંદીમાં ઊંચા મથાળેથી રૂ. 152નો ઘસરકો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર ગઈકાલે સલામતી માટેની માગને ટેકે એક તબક્કે સોનાના ભાવ આૈંસદીઠ 3045.24 ડૉલરની વિક્રમ સપાટીએ પહોંચીને પાછાં ફર્યા હતા.
તેમ જ આજે લંડન ખાતે સત્રના આરંભે ખાસ કરીને ઈઝરાયલે હમાસ પર વધુ હુમલાઓની આપેલી ચેતવણી ઉપરાંત પ્રવર્તમાન અમેરિકી ટેરિફ અને વૈશ્વિક સ્તરે ટ્રેડ વૉરની અને અમેરિકાની આર્થિક વૃદ્ધિની ચિંતા હેઠળ સોનાના ભાવમાં સુધારો આગળ ધપ્યો હતો, જ્યારે ચાંદીમાં સાધારણ નરમાઈનું વલણ જોવા મળ્યું હતું.
વધુમાં આજે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન વૈશ્વિક બજારને અનુસરતા સોનામાં 10 ગ્રામદીઠ રૂ. 325થી 326નો સુધારો આગળ ધપ્યો હતો, જ્યારે ચાંદીમાં ઊંચા મથાળેથી માગ રૂંધાઈ જતાં ભાવમાં કિલોદીઠ રૂ. 152નો સાધારણ ઘસરકો આવ્યો હતો.
આપણ વાંચો: સોના-ચાંદીના ભાવમાં વધ-ઘટ, મુંબઈ ઝવેરી બજારમાં આજના સોનાના ભાવ જાણો?
ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન 999 ટચ ચાંદીમાં ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને જ્વેલરી ઉત્પાદકોનો નવી લેવાલીમાં અભાવ તેમ જ ઔદ્યોગિક વપરાશકારોની માગ પણ ખપપૂરતી રહેતાં વેરા રહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 152ના સાધારણ ઘટાડા સાથે રૂ. 1,00,248ના મથાળે રહ્યા હતા. તેમ જ વિશ્વ બજાર પાછળ 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના વેરા રહિત ભાવ 10 ગ્રામદીઠ રૂ. 325 વધીને રૂ. 88,325 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 326 વધીને રૂ. 88,680ના મથાળે રહ્યા હતા. જોકે, વધ્યા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારોનો નવી લેવાલીમાં નિરુત્સાહક તથા જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ પણ શુષ્ક રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આજે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં રોકાણકારોની સલામતી માટેની માગને ટેકે હાજર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 0.2 ટકા વધીને અનુક્રમે આૈંસદીઠ 3039.38 ડૉલર અને 3046.40 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 0.4 ટકા ઘટીને આૈંસદીઠ 33.89 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
આપણ વાંચો: Mumbai Gold Rate: ઝવેરી બજારમાં આજે સોનાચાંદીના લેટેસ્ટ ભાવ શું છે જાણો?
એકંદરે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પની ટેરિફની નીતિને ધ્યાનમાં લેતાં રોકાણકારોમાં અમેરિકામાં આર્થિક મંદીની ચિંતા સપાટી પર આવી છે. તેમ જ ટેરિફને કારણે ફુગાવાલક્ષી દબાણ વધવાની પણ ભીતિ સેવાઈ રહી હોવાથી સોનામાં તેજી પ્રબળ બની હોવાનું સિટી ઈન્ડેક્સનાં વિશ્લેષક મેટ સેમ્પ્સને જણાવ્યું હતું.
અમેરિકાએ સ્ટીલ અને એલ્યુમિનિયમ પર 25 ટકા ટેરિફ લાદી છે અને આગામી બીજી એપ્રિલથી રેસિપ્રોકલ અને સેક્ટોરિયલ ટેરિફ લાદવામાં આવે તેવી શક્યતાથી વૈશ્વિક સ્તરે ટ્રેડ વૉર વકરવાની શક્યતા ઉપરાંત મધ્ય પૂર્વના દેશોમાં ફરીથી ભુરાજકીય તણાવ વધતાં આર્થિક જોખમો વધવાની ભીતિને કારણે સોનામાં સલામતી માટેની માગનો વધુ ટેકો મળી રહ્યો હોવાનું આઈજી માર્કેટનાં વિશ્લેષક યીપ જૂન રૉન્ગે જણાવ્યું હતું.
વધુમાં ગઈકાલે ઈઝરાયલે ગઈકાલે હમાસ પર હવાઈ હુમલા કરતાં 400થી વધુ લોકોની જાનહાની થઈ હતી તેમ જ આ હજુ શરૂઆત જ હોવાનું ઈઝરાયલે જણાવતાં સોનામાં તેજીને વેગ મળ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું.
આજે અમેરિકી ફેડરલ રિઝર્વની બે દિવસીય નીતિવિષયક બેઠક સમાપન થઈ રહી હોવાથી રોકાણકારોની નજર બેઠકની ફળશ્રુતિ પર હોવાથી તેઓએ નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ અપનાવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.