વેપારસ્પેશિયલ ફિચર્સ

સોના-ચાંદીમાં સાધારણ સુધારો, તહેવારોની માગ ઓસરતા વેપાર શાંત

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
આવતીકાલની અમેરિકાની પ્રમુખપદની ચૂંટણી અને ત્યાર બાદ અમેરિકી ફેડરલ રિઝર્વની ૬-૭ નવેમ્બરની બે દિવસીય નીતિવિષયક બેઠક પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં ઘટ્યા મથાળેથી ધીમો સુધારો આવ્યો હતો.

આમ વૈશ્ર્વિક અહેવાલને અનુસરતા આજે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનાના ભાવમાં ઘટ્યા મથાળેથી ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૦થી ૨૦નો સાધારણ સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં ઘટ્યા મથાળેથી કિલોદીઠ રૂ. ૯૩૪નો ઘટાડો આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે સ્થાનિક ઝવેરી બજારમાં ગત શનિવારે મુહૂર્તના કામકાજોમાં ખાસ કરીને શુક્રવારના ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના નિરુત્સાહી અહેવાલે સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૧૧૭થી ૧૧૩૨નું અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૩૧૬૯નું ગાબડું પડ્યું હતું.

સૂત્રોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં સપ્તાહના આરંભે વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે મધ્યસત્ર દરમિયાન ૯૯૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૦ વધીને રૂ. ૭૮,૧૩૧ અને ૯૯૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાનાભાવ રૂ. ૨૦ વધીને રૂ. ૭૮,૪૪૫ મથાળે રહ્યા હતા.

આપણ વાંચો: ઝવેરી બજાર, વર્સોવામાં ડીઆરઆઇની રેઇડ: દુબઇથી સોનાની દાણચોરી પ્રકરણે પાંચ જણની ધરપકડ

જોકે, હવે તહેવારોની માગ ઓસરી જતાં જ્વેલરો અને રિટેલ સ્તરની લેવાલી છૂટીછવાઈ રહી હતી, જ્યારે સ્ટોકિસ્ટો અને રોકાણકારોની લેવાલી છૂટીછવાઈ રહી હતી.

વધુમાં વિશ્ર્વ બજાર પાછળ ગત શનિવારે ૯૯૯ ટચ ચાંદીમાં કિલોદીઠ રૂ. ૩૧૬૯નું ગાબડું પડ્યા બાદ આજે ઘટ્યા મથાળેથી વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની નીકળેલી લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૯૩૪ના બાઉન્સબૅક સાથે રૂ. ૯૪,૪૩૫ના મથાળે રહ્યા હતા.

આવતીકાલની અમેરિકાની પ્રમુખપદની ચૂંટણીના પરિણામો તેમ જ ફેડરલ રિઝર્વ આગામી નીતિવિષયક બેઠકના અંતે વ્યાજદરમાં કાપ મૂકશે તો કેટલો મૂકશે તેની અનિશ્ર્ચિતતા વચ્ચે આજે રોકાણકારોએ સાવચેતીનો અભિગમ અપનાવતા લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ઘટ્યા મથાળેથી સાધારણ ૦.૨ ટકા વધીને ઔંસદીઠ ૨૭૩૯.૬૩ ડૉલર અને વાયદામાં ભાવ ૨૭૪૯.૩૦ ડૉલર આસપાસની સપાટીએ ટકેલા રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ જે આગલા સત્રમાં બે સપ્તાહની નીચી સપાટીએ ગગડી ગયા બાદ ૦.૯ ટકા વધીને ઔંસદીઠ ૩૨.૭૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

આપણ વાંચો: વિશ્ર્વ બજાર પાછળ સોનામાં ₹ ૮૩૬ની ઝડપી તેજી, ભાવ ₹ ૭૯,૦૦૦ની પાર

એકંદરે આગામી સમયગાળામાં ખાસ કરીને ચૂંટણીના પરિણામો, પરિણામોમાં વિલંબ, અમેરિકી હાઉસ અને સેનેટની સત્તાનું નિયંત્રણ કોના હાથમાં રહેશે તેવી અનિશ્ર્ચિતતાઓ સોનાને સુધારાનો ટેકો આપતી રહેશે, એમ કેસીએમ ટ્રેડના ચીફ માર્કેટ એનાલિસ્ટ ટીમ વૉટરરે જણાવ્યું હતું.

જોકે, ફેડરલ રિઝર્વ આગામી નીતિવિષયક બેઠકના અંતે વ્યાજદરમાં ૨૫ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી શક્યતા સીએમઈ ફેડ વૉચ ટૂલ પર ટ્રેડરો વ્યક્ત કરી રહ્યા છે. તેમ છતાં રોકાણકારોની નજર બેઠકના અંતના ફેડના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલના વક્તવ્ય પર તેમ જ ધાતુના વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીનની નેશનલ પીપલ્સ કૉંગ્રેસની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પર પણ સ્થિર થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button