ધાતુમાં પાંખાં કામકાજે આગળ ધપતો ભાવઘટાડો…

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ લંડન મેટલ એક્સચેન્જ ખાતે આજે કોપરના ભાવમાં ઘટ્યા મથાળેથી સુધારાતરફી વલણ જોવા મળ્યું હોવાના નિર્દેશ છતાં સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે સ્ટોકિસ્ટોની ખાસ કરીને કોપરની વેરાઈટીઓ, બ્રાસ શીટ કટિંગ્સ, એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ અને ઝિન્ક સ્લેબમાં વેચવાલી તેમ જ માગ નિરસ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. એકથી 10નો ઘટાડો આવ્યો હતો. 
જોકે, આજે એકમાત્ર નિકલમાં ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની લેવાલીને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. પાંચનો સુધારો આવ્યો હતો, જ્યારે એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ, ટીન અને લીડ ઈન્ગોટ્સમાં ખપપૂરતી માગને ટેકે ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીના દબાણ જળવાઈ રહેવા ઉપરાંત સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં મુખ્યત્વે કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ અને કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. 10 ઘટીને અનુક્રમે રૂ. 860 અને રૂ. 1043, કોપર કેબલ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. આઠ ઘટીને રૂ. 950, કોપર આર્મિચરના ભાવ કિલોદીઠ રૂ. સાત ઘટીને રૂ. 920, કોપર સ્ક્રેપ હેવીના ભાવ કિલોદીઠ રૂ. છ ઘટીને રૂ. 938 અને બ્રાસ શીટ કટિંગ્સના ભાવ કિલોદીઠ રૂ.પાંચ ઘટીને રૂ. 650ના મથાળે રહ્યા હતા.
વધુમાં આજે વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગ નિરસ રહેતાં બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ તથા ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. બે ઘટીને અનુક્રમે રૂ. 598 અને રૂ. 308 તથા એલ્યુમિનિયમ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. એક ઘટીને રૂ. 276ના મથાળે રહ્યા હતા. જોકે, આજે એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ, લીડ ઈન્ગોટ્સ અને ટીનમાં છૂટીછવાઈ માગને ટેકે ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. 218, રૂ. 185 અને રૂ. 3278ના મથાળે ટકેલા રહ્યા હતા.
 
 
 
 


