સ્ટીલની આયાત વધતાં વધુ નિયંત્રાત્મક પગલાંની ઉત્પાદકોની માગ

નવી દિલ્હીઃ ચીન સહિતનાં ચોક્કસ દેશોએ ગત જાન્યુઆરીથી સપ્ટેમ્બર દરમિયાન સ્થાનિક ઉત્પાદનની સરખામણીમાં છ ગણું 74.63 કરોડ ટનનું ઉત્પાદન કર્યું હોવાથી સ્થાનિક સ્ટીલ ઉત્પાદકોએ ચીન સહિતના દેશોથી થતી આયાત અંકુશમાં રાખવા માટે નિયંત્રાત્મક પગલાં લેવાનો સરકારને અનુરોધ કર્યો છે.
વૈશ્વિક સંસ્થા વર્લ્ડ સ્ટીલ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર ગત જાન્યુઆરીથી સપ્ટેમ્બર દરમિયાન ભારતનું ક્રૂડ સ્ટીલનું ઉત્પાદન 12.24 કરોડનું થયું છે, જ્યારે ચીનનું માત્ર સપ્ટેમ્બર મહિનામાં ઉત્પાદન 7.35 કરોડ ટનનું રહ્યું છે જે આપણા સ્થાનિક 1.36 કરોડ ટનના ઉત્પાદનની તુલનામાં પાંચ ગણું વધુ છે.
બજારની આંકડાકીય માહિતી અનુસાર સ્ટેઈનલેસ સ્ટીલનું ઉત્પાદન પણ પૂર્ણ અથવા તો 100 ટકા 75 લાખ ટનની ઉત્પાદન ક્ષમતા સુધી પહોંચે તેમ નથી અને આયાતની અસરને કારણે ક્ષમતા પૈકી વપરાશ 60 ટકા જેટલો જ રહેશે. જોકે, સરકારે સ્થાનિક સ્ટીલ ઉત્પાદકોની સ્પર્ધાત્મકતા માટે આયાત નિયંત્રણમાં રાખવા ઘણાં પગલાં લીધા છે.
છેલ્લાં અમુક વર્ષોમાં સ્ટીલ મંત્રાલયે 100 કરતાં વધુ ક્વૉલિટી ક્નટ્રોલ ઓર્ડર જારી કર્યા છે જેથી બિસ (બ્યુરો ઑફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ) સિવાયનાં સ્ટીલ ઉત્પાદનો ભારતીય બજારમાં આવતા અટકે. વધુમાં ગત જૂન મહિનાના ક્વૉલિટી ક્નટ્રોલ ઓર્ડરમાં અમુક સ્ટીલ ઉત્પાદનોનાં ઈનપૂટ્સ પર પણ નિયંત્રણ લાદવામાં આવ્યા હતા. તેમ જ હલકા અને સસ્તા મટિરિયલની આયાત થકી થતી આવક અટકાવવા સમયાંતરે ક્વૉલિટી ક્નટ્રોલ ઓર્ડરની મુદત વધારવામાં આવી રહી હોવાનું એક ઉદ્યોગના એક ખેલાડીએ જણાવ્યું હતું.
વધુમાં ગત માર્ચ મહિનામાં વાણિજ્ય મંત્રાલય હેઠળની તપાસકર્તા ડિરેક્ટોરેટ જનરલ ઑફ ટ્રેડ રેમેડિઝ (ડીજીટીઆર)એ સ્થાનિક ઉત્પાદકોના હિત જાળવવા માટે અમુક સ્ટીલ ઉત્પાદનો પર 200 દિવસ સુધી 12 ટકા પ્રોવિઝનલ સેફગાર્ડ ડ્યૂટી લાદવાની ભલામણ કરી હતી. જોકે, ત્યાર બાદ સ્ટીલ ઉદ્યોગે તેમની સમસ્યાનો ઉકેલ ન આવ્યો હોવાથી સ્ટેઈનલેસ સ્ટીલની આયાત અંગે તપાસ હાથ ધરવાનો સરકારને અનુરોધ કર્યો હતો. જોકે, આગામી સપ્તાહે નિતિ આયોગની ઉચ્ચ સ્તરીય સમિતિની આયાતના મુદ્દે એક બેઠક યોજાવાની હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.
બિગ મિન્ટનાં અહેવાલ અનુસાર તાજેતરમાં આયાતમાં થયેલા વધારા ઉપરાંત અન્ય કારણોસર ગત ઑક્ટોબર મહિનામાં દેશમાં સ્ટીલનાં ભાવ પાંચ વર્ષના તળિયે પહોંચ્યા છે. આ ઉપરાંત રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ પણ સસ્તા ભાવથી થતી સ્ટીલની આયાત સામે ચિંતા વ્યક્ત કરી છે અને સ્થાનિકમાં સ્ટીલના ઉત્પાદનમાં વધારો અને ઉદ્યોગમાં સ્પર્ધાત્મકતા વધારવા માટે ઉદ્યોગને નીતિવિષયક ટેકો આપવા માટે જણાવ્યું હતું.
પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્ટેમ્બર મહિનામાં દેશમાં સ્ટીલની આયાત આગલા ઑગસ્ટ મહિનાના 6.9 લાખ ટન સામે વધીને 7.9 લાખ ટની સપાટીએ રહી હતી તેમ જ સતત છઠ્ઠા મહિનામાં દેશ સ્ટીલનો ચોખ્ખો આયાતકાર દેશ રહ્યો હતો. ઑક્ટોબરમાં દેશમાં સ્ટીલની આયાત મુખ્યત્વે કોરિયા, રશિયા અને ઈન્ડોનેશિયાથી આયાતમાં વધારો થયો છે, જ્યારે ચીન, જાપાન, વિયેટનામ, થાઈલેન્ડ અને તાઈવાનથી થતી આયાતમાં સપ્ટેમ્બરની સરખામણીમાં ઘટાડો થયો હતો.
આ પણ વાંચો…ધાતુમાં પાંખાં કામકાજે આગળ ધપતો ભાવઘટાડો…



